આશરે 30 વર્ષ પહેલાની આ તસવીર વિશે વાત કરીએ તો મોદી જમ્મુ-કાશ્મીરમાંથી 370 કલમ નાબૂદ કરવા ધરણા પર બેઠાં હતાં. જે આટલા વર્ષો બાદ વડાપ્રધાન મોદીની NDA સરકારે આ ઐતિહાસિક નિર્ણય લીધો છે. 1992માં મોદીએ કાશ્મીરની મુલાકાત વખતે કલમ 370 હટવવાની વાત કરી હતી. એવું પણ કહેવામાં આવે છે કે, એ વખતે મોદીએ ધરણા કરી 370 કલમનો વિરોધ કર્યો હતો. જો કે, તે પછી મોદી ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા અને ગુજરાતમાં રહી સમયાંતરે 370 કલમનો વિરોધ કરતા રહ્યાં.
2014માં જ્યારે લોકસભાની ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે ભાજપે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવ્યાં અને પોતાના ચૂંટણી ઢંઢેરામાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને હટાવવાનો સંકલ્પ કર્યો હતો. જો કે, 2014માં જંગી બહુમતીથી ભાજપની જીત થઈ અને મોદી વડાપ્રધાન બન્યા તેમ છતાં 370 કલમ પર કોઈ વાત થઈ નહોતી, પરંતુ હવે 2019માં ફરી મોદી સરકાર સત્તામાં આવતા અને દેશના ગૃહપ્રધાન અમિત શાહ બનતા શરૂઆતથી જ કાશ્મીર મુદ્દે કડક વલણ અપનાવ્યું હતું.
સોમવારે નરેન્દ્ર મોદી સરકાર તરફથી જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠનનું બિલ રજૂ કર્યું હતું. જે અંતર્ગત જમ્મુ-કાશ્મીરથી લદ્દાખ અલગ કરી દેવામાં આવ્યું છે. લદ્દાખને વિધાનસભા વગર કેન્દ્ર શાસિતનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ્યારે જમ્મુ-કાશ્મીરને અલગથી કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેથી જમ્મુ-કાશ્મીર રાજ્યમાં વિધાનસભા રહેશે.