નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારની નીતિઓને કારણે કરોડો લોકોને રોજગાર ગિમાવવાનો વારો આવ્યો છે અને જીડીપીમાં ઐતિહાસિક ઘટાડો થયો છે.
પાર્ટીના 'સ્પીક અપ ફોર જોબ્સ' અભિયાનના ભાગ રૂપે, રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે 'મોદી સરકારની નીતિઓના પગલે કરોડો નોકરીઓ અને જીડીપીમાં ઐતિહાસિક ઘટાડો થયો છે. તેણે ભારતીય યુવાનોનું ભવિષ્ય કચડી નાખ્યું છે.'
કોંગ્રેસ નેતાએ લોકોને રોજગારની માગ કરતા સોશિયલ મીડિયા પરના અભિયાનને ટેકો આપવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે 'સરકારને યુવાનોનો અવાજ સાંભળવા કહો'.
પાર્ટીના પ્રવક્તા, રણદીપ સુરજેવાલાએ આ અભિયાન અંતર્ગત ટ્વીટ કરી દાવો કરી કહ્યું છે કે, 'મોદીજી, તમે યુવાનોને ફસાવીને સત્તા કબજે કરી. દર વર્ષે બે કરોડ નોકરીઓ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. છ વર્ષમાં 12 કરોડ નોકરીઓ આપવી તો દૂર, 14 કરોડ નોકરીઓ છીનવી લીધી અને ભવિષ્ય અંધકારમય કર્યું છે.
સુરજેવાલાએ કહ્યું કે ‘યુવાનો હવે જાગ્યા છે અને જવાબ માગે છે. સિંહાસન ખાલી કરો.'