નવી દિલ્હીઃ કોરોના મહામારીને પગલે ઘણા પ્રવાસી મજૂરોને લોકડાઉન હોવાથી શેલ્ટરહોમમાં રાખવામાં આવ્યા છે. દિલ્હીના અમર કોલોની પોલીસ સ્ટેશનની પહેલ પર સરકારી કન્યા વરિષ્ઠ માધ્યમિક શાળા શ્રીનિવાસપુરીને પરપ્રાંતિય મજૂરો માટે આશ્રય સ્થાન બનાવવામાં આવ્યું છે. આ આશ્રય ગૃહમાં રહેતા પરપ્રાંતિય મજૂરોએ શાળાને રંગવા અને સાફ કરી સ્વયં સેવા આપી છે.
મજૂરોએ શાળાના નવીનીકરણની દરખાસ્ત કરી હતી
લોકડાઉન પછી મજૂરો માટે રહેવા અને ખાવા માટે ઘણા સ્થળોએ આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યા છે. શ્રીનિવાસપુરીમાં આવેલી સરકારી કન્યા વરિષ્ઠ માધ્યમિક શાળામાં રખાયેલા આ કામદારોએ દિલ્હી પોલીસ અને સરકાર તરફથી રહેવા અને ખાદ્યપદાર્થોની વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કરતાં શાળાના નવીનીકરણની દરખાસ્ત કરી.
વોલ પેઇન્ટિંગ અને છોડની માવજત કરી
અમર કોલોનીની પોલીસે આ પરપ્રાંતિય મજૂરોની ભાવનાઓને માન આપતા તેમને સફાઇ અને રંગકામનું કામ પૂર્ણ કરવા દીધુ. આ મજૂરોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું હતું અને શાળાઓની દિવાલો રંગી હતી. તેમજ બગીચામાં છોડ સિંચાઈ કરી હતી અને શાળાને સાફ કરી હતી.