બનાસકાંઠા: જિલ્લામાં એક વેપારીએ પોતાના જ મોતનું એવું તરકટ રચ્યું કે જે ફિલ્મી કહાનીને પણ ટક્કર મારે. આ વેપારીએ પોતાના જ ગામના સ્મશાનમાંથી એક મૃતદેહ બહાર કાઢ્યો અને પોતાની જ કારમાં સળગાવી દીધો, પરંતુ આમ કરવા પાછળ વેપારીની શું મેલી મુરાદ હતી અને કેવી રીતે પોલીસે કર્યો આ ઘટનાનો પર્દાફાશ જાણીશું આ ખાસ અહેવાલમાં.
સળગેલી હાલતમાં મળી કાર
આ ફિલ્મી કહાનીની શરૂઆત થાય છે, 27 ડિસેમ્બરની વહેલી સવારથી, સ્થાનિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી કે ધનપુરા નજીક એક કાર સળગેલી હાલતમાં છે, અને તેમાં એક મૃતદેહ પણ સળગી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. વડગામ પોલીસે જાણ થતાં જ ધનપુરા ગામે ઘટના સ્થળે પહોંચે છે, અને તપાસ શરૂ કરવામાં આવે છે. પોલીસ દ્વારા ગાડીના નંબર પ્લેટના આધારે તપાસ હાથ ધરતા ગાડી ઢેલાણા ગામના વેપારીની હોવાનું તપાસમાં સામે આવે છે.
કારમાં સળગી ગયો મૃતદેહ
કારમાં સળગી ગયેલી હાલતમાં મૃતદેહ ઢેલાણા ગામના વેપારીનો છે કે, અન્ય કોઈનો છે તે બાબતે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી અને આસપાસના સીસીટીવી ખંગાળવામાં આવતા જે વેપારીની ગાડી છે, તે વેપારી સીસીટીવીમાં નજરે આવતા જ પોલીસ સમગ્ર કહાની સમજી ગઈ અને આખરે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી અને આ સમગ્ર ફિલ્મી કહાનીનો પર્દાફાશ થયો છે.
.. કારમાં સળગેલી લાશ કોની ?
પોલીસ દ્વારા હ્યુમન સોર્સ અને તરકટ રચનાર મુખ્ય માસ્ટર માઈન્ડના ફોનના સીડીઆર ચેક કરી છેલ્લે જેની સાથે ટેલિફોનિક કરી તે મહેશ સાથે ચાર શંકમંદોની અટકાયત કરી અને તેમની કડક પૂછપરછ કરતા વેપારીએ પોતાના જ મોતનો ક્રાઈમ પ્લાન ઘડ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ સમગ્ર મામલાનો માસ્ટર માઈન્ડ ઢેલાણા ગામનો વેપારી દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમારે પોતાની હોટલ તેમજ કાર ઉપર 16 લાખથી વધુની લોન લીધી હતી જે લોન ભરપાઈ ન થતા વેપારીએ પોતાના જ મોતનુ આ સાગરીતો સાથે મળી તરકટ રચ્યું હોવાનુ હાલતો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે કર્યો પર્દાફાશ
માસ્ટર માઈન્ડ વેપારી દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમારે પોતાનો એક કરોડનો અકસ્માત વીમો અને ૨૬ લાખ રૂપિયાની LIC પોલીસી લીધી અને લોનની રકમ ભરવી ન પડે અને એક કરોડ 26 લાખ પરિવારને મળી જાય તે માટે પોતાના મોતનો ક્રાઈમ પ્લાન ઘડી કાઢ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે હવે પોલીસે સમગ્ર ફિલ્મી કહાનીનો પર્દાફાશ કર્યો છે.
મૃતદેહના ડીએનએ ટેસ્ટની કાર્યવાહીના આધારે પોલીસ તપાસ
માસ્ટર માઈન્ડ વેપારી દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમારે પોતાનો એક કરોડનો અકસ્માત વીમો અને ૨૬ લાખ રૂપિયાની LIC પોલીસી લીધી અને લોનની રકમ ભરવી ન પડે અને એક કરોડ 26 લાખ પરિવારને મળી જાય તે માટે પોતાના મોતનો ક્રાઈમ પ્લાન ઘડી કાઢ્યો હતો. જોકે આ અંગે વડગામ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ સમગ્ર ઘટનામાં ચાર શકમંદ સાગરીતોની અટકાયત કરવામાં આવી છે અને માસ્ટર માઈન્ડ વેપારીને વહેલી તકે ઝડપી લેવા અને કારમાંથી મળેલા મૃતદેહના ડીએનએ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હવે ડીએનએ ટેસ્ટમાં આ મૃતદેહ કોનો છે અને કેવી રીતે સમગ્ર ઘટનાના પ્લાનને અંજામ આપવામાં આવ્યો તે આગામી પોલીસ તપાસમાં જ બહાર આવશે.