BOBમાં દેના બેંક તથા વિજયા બેંકનું વિલિનિકરણ 1 એપ્રિલથી અમલમાં આવ્યું છે. બેંકના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, વિજયા બેંકનું BOBમાં વિલીનીકરણ બાદ એક જ જગ્યાએ તેમની શાખાઓ હોવાનો કોઇ મતલબ નથી.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, "એવા ઘણા વિસ્તારો છે, જ્યાં ત્રણે બેંકોની શાખા પાસે પાસે અથવા એક જ બિલ્ડીંગમાં છે. જેથી આ શાખાઓને બંધ કરવામાં આવશે અથવા તો તર્કસંગત બનાવવું જરૂરી છે, એક જ જગ્યાએ આ બેંકોની બ્રાન્ચ હોવાથી કુશળતા પર પ્રતિકુળ પ્રભાવ પડશે"
આ અંગે તેમણે વધુમાં જણાવ્યું કે, સમીક્ષા બાદ BOBએ 800થી 900 બ્રાંચોની ઓળખ કરી છે. જેને તર્કસંગત બનાવવાની જરૂરિયાત છે. બેંક આ અંતર્ગત કેટલીક બ્રાંચોને અન્ય જગ્યાઓ પર લઇ જઇ શકે છે અથવા તો કેટલીક બ્રાંચોને બંધ કરી શકે છે.
આ સિવાય વિલીનીકરણ વાળી બેંકોના ક્ષેત્રીય તથા પેટા વિભાગની ઓફિસ પણ બંધ કરવાની જરૂરીયાત છે. કારણ કે, તેની હવે કોઇ જરૂર રહેતી નથી. બેંકોને દેશના પૂર્વ વિસ્તારોમાં વિસ્તારવાની જરૂરીયાત છે. દક્ષિણ, પશ્ચિમ તથા ઉત્તરના વિસ્તારોમાં તેનો પ્રભાવ પૂરતા પ્રમાણમાં છે.
બે બેંકોનું બેંક ઑફ બરોડામાં વિલીનીકરણ બાદ BOB હવે ABI પછીની સાર્વજનિક ક્ષેત્રની સૌથી મોટી બેંક બની ગઇ છે. બેંકની બ્રાંચની સંખ્યા 9,500થી પણ વધુ છે. જ્યારે 13,400થી વધુ તો ATM થઇ ગયા છે. તો બધું મળીને કર્મચારીઓની સંખ્યા 85,000 સુધી પહોંચી ગઇ છે. જે 12 કરોડ ગ્રાહકોને સેવાઓ આપી શકવામાં સક્ષમ છે.