ભોપાલ: મધ્યપ્રદેશમાં, એક મહિલા પાસે તેના પતિના સારવાર માટે પૈસા ન હતા. તે તેના પતિને લઇને ગુના ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પહોંચી હતી જ્યાં રસીદ માટે તેની પાસે પૈસા નહોતા. જેથી દર્દી આખી રાત હોસ્પિટલની બહાર રહ્યો હતો, જે બાદ દર્દીનું મોત થયું હતું.
મધ્યપ્રદેશના ગુનામાં રહેતી મહિલાના પતિની થોડા દિવસથી તબિયત ખરાબ હતી. આરતી તેના પતિને લઇને પહેલા અશોકનગર જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ગઈ હતી. જ્યાં ડોક્ટરોએ તેને ગુના જિલ્લા હોસ્પિટલમાં જવા માટે કહ્યું હતું.
નબળી આર્થિક સ્થિતિને કારણે, આરતીને ગુના આવવાની સુવિધા ઉપલબ્ધ નહોતી. જેમ તેમ કરીને તે તેના પતિ સાથે હોસ્પિટલમાં પહોંચી, પરંતુ તેની પાસે રસીદ કઢાવવા માટે પાંચ રૂપિયા પણ નહોતા. જેના કારણે તે સવાર સુધી પરિવારની રાહ જોતી રહી.
પતિની તબિયત વધુ ખરાબ થતા તે સવારે સાત વાગ્યે ફરીથી હોસ્પિટલમાં પહોંચી હતી, પરંતુ સમયસર સારવાર ન મળતા થોડા સમય બાદ તેના પતિનું મોત નીપજ્યું હતું. જે બાદ મહિલાએ હોસ્પિટલ વહીવટ પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. મહિલાનું કહેવું છે કે જો હોસ્પિટલમાં યોગ્ય સમયે સારવાર મળી હોત તો તેના પતિનો જીવ બચી શક્યો હોત.