પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે, રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠીએ ભાજપાના ઈશારે રાજ્યમાં ચૂંટણી બાદ થયેલી હિંસાને ધ્યાનમાં રાખી મુખ્યપક્ષોની બેઠક બોલાવી છે. તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ કહ્યું કે, ત્રિપાઠીએ તેમને બેઠકમાં ભાગ લેવા માટે બોલાવ્યા છે, પરંતુ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી છે. કારણ કે, કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય છે, રાજ્યપાલનો નહીં.
આ અંગે મમતા બેનર્જીએ સંવાદદાતાઓને જણાવ્યું હતું કે, "રાજ્યપાલ ભાજપના પ્રવક્તા જેવા છે, ભાજપે તેમણે સર્વદળોની બેઠક કરાવવા માટે કહ્યું અને તેઓએ બેઠક બોલાવી. તેમણે કહ્યું, 'રાજ્યપાલે મને બોલાવી હતી, મે કહ્યું કે હું નહીં જઈ શકુ, કારણ કે, તમે રાજ્યપાલ છો અને હું ચૂંટાયેલી સરકાર છું. કાયદો-વ્યવસ્થા સરકારનો વિષય છે, આ વિષય તમારો નથી.'
તો આ મામલે મમતા દીદીએ કટાક્ષ કરતા કહ્યું કે, રાજ્યપાલ એક કપ ચા કે શાંતિ બેઠક માટે લોકોને બોલાવી શકે છે. 'આ જ કારણ છે કે હું ત્યાં મારા પક્ષના પ્રતિનિધિને મોકલી રહી છું, પ્રતિનિધિઓ જશે અને ચા પીધા બાદ પરત આવશે.' તૃણમુલ કોંગ્રેસના મહાસચિવ પાર્થ ચેટર્જી, પ્રદેશ ભાજપા અધ્યક્ષ દિલીપ ઘોષ, કોંગ્રેસ અને માકપાના પ્રદેશ પ્રમુખ રાજભવનમાં યોજાનાર બેઠકમાં ભાગ લેશે.