નવી દિલ્હી: લોકડાઉન દરમિયાન લગભગ બે મહિના સુધી બંધ રહ્યા બાદ આજથી દેશમાં શોપિંગ મોલ, ધાર્મિક સ્થળ, હોટલ અને રેસ્ટોરેન્ટ ફરીથી ખુલી ગયા છે. જેમાં નવા નિયમોનું પાલન કરવાનું રહેશે જે નિચે મુજબ રહેશે.
કચેરીઓ માટે ગાઇડલાઇન
- ઓફિસમાં એન્ટ્રી ગેટ પર સેનિટાઇઝર ડિસ્પેન્સર હોવું જરૂરી છે. અહીં જ થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવે.
- માત્ર એ જ લોકોને ઓફિસમાં પ્રવેશની મંજૂરી મળે જે લોકોમાં કોરોનાના લક્ષણો ના હોય.
- કન્ટેનમેન્ટ ઝોનમાં રહેનારા સ્ટાફે સુપરવાઇઝરને તે વાતની જાણકારી આપવી પડશે. તેને ત્યાં સુધી ઓફિસમાં આવવાની પરવાનગી નહીં આપવામા આવે જ્યાં સુધી કન્ટેનમેન્ટ ઝોનને ડિનોટિફાય ન કરવામાં આવે.
- ડ્રાઇવરોને સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના સંબંધિત નિયમોનું પાલન કરવાનું રહેશે. કચેરીના અધિકારી, ટ્રાન્સપોર્ટ સેવા આપનારા તે વાતની ખાતરી કરે કે કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા ડ્રાઇવર ગાડી ન ચલાવે.
- ગાડીની અંદર, તેના દરવાજા, સ્ટિયરિંગ, ચાવીઓને સંપૂર્ણ ડિસઇન્ફેક્ટ કરવું જરૂરી છે. તેનું ધ્યાન રાખવામાં આવે.
- ગર્ભવતી મહિલાઓ, મોટી ઉંમરના કર્મચારી અને પહેલાથી બીમારીનો સામનો કરી રહેલા કર્મચારીનું ધ્યાન રાખો. તેમને એવું કામ ન આપવામા આવે જેનાથી તેઓ લોકોના સીધા સંપર્કમાં આવે. શક્ય હોય તો કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપો.
- ઓફિસમાં માત્ર એ જ લોકોને મંજૂરી આપવામા આવે જેમણે ફેસ માસ્ક પહેર્યું હોય. ઓફિસમાં રહેતી વખતે માસ્ક પહેરવું જરૂરી છે.
- ઓફિસમાં મુલાકાતીઓની એન્ટ્રી, ટેમ્પરરી પાસ કેન્સલ કરવામાં આવે. માત્ર સત્તાવાર મંજૂરી સાથે અને કયા અધિકારીને મળવું છે તેની જાણકારી આપ્યા બાદ જ વિઝિટરને મંજૂરી આપવામા આવે. તેનું પણ સ્ક્રિનિંગ કરવામાં આવે.
- જ્યાં સુધી શક્ય બને , બેઠકો વીડિયો કોન્ફરન્સિંગથી કરવામાં આવે.
- ઓફિસમાં કોરોના સંક્રમણથી બચવાના પોસ્ટર, હોર્ડિંગ અલગ-અલગ જગ્યાએ લગાવવામાં આવે.
ધાર્મિક સ્થળો માટે ગાઇડલાઇન
- ધાર્મિક સ્થળો પર એક સાથે મોટી સંખ્યામાં લોકો ભેગા ન થાય. દરેકે એક-બીજાથી ઓછામા ઓછું 6 ફૂટનું અંતર બનાવવું પડશે.
- ધાર્મિક સ્થળમાં પ્રવેશદ્વાર પર હાથ સેનિટાઇઝ કરવાની વ્યવસ્થા હોવી જોઇએ. દરેક શ્રદ્ધાળુનું થર્મલ સ્ક્રિનિંગ જરૂરી છે.
- લક્ષણો વિનાના શ્રદ્ધાળુને જ પ્રવેશ આપવામાં આવે. જો કોઇને ઉધરસ, શરદી કે તાવ હોય તો તેને તાત્કાલિક મંદિરમાં પ્રવેશતા અટકાવી દો.
- ફેસ માસ્ક પહેરેલા લોકોને જ પ્રવેશ મળશે.
- કોવિડ-19થી જોડાયેલી માહિતી વાળા પોસ્ટર, બેનર ધાર્મિક સ્થળના પરિસરમાં લગાવવા પડશે. વીડિયો પણ પ્લે કરવો પડશે.
- પ્રયત્ન કરો કે એક સાથે વધારે ભાવિકો ન પહોંચે. સૌને અલગ-અલગ રાખવાનો પ્રયત્ન કરો.
- બૂટ, ચપ્પલ શ્રદ્ધાળુઓને પોતાની ગાડીમાં ઉતારવા પડશે. જો એવી વ્યવસ્થા ન હોય તો પરિસરથી દૂર પોતાની દેખરેખમાં રાખવા પડશે.
રેસ્ટોરન્ટ માટે ગાઇડલાઇન
- કન્ટેનમેન્ટ ઝોનમાં રેસ્ટોરન્ટ બંધ રહેશે.
- રેસ્ટોરન્ટમાં જમવાને બદલે હોમ ડિલીવરીનો આગ્રહ રાખવો. ડિલીવરી કરનાર ઘરના દરવાજે પેકેટ છોડી દે, હેન્ડઓવર ન કરે.
- હોમ ડિલીવરી પર જતા પહેલા દરેક કર્મચારીનું સ્ક્રિનીંગ કરવામાં આવે.
- રેસ્ટોરન્ટના ગેટ પર હેન્ડ સેનિટાઇઝેશન અને થર્મલ સ્ક્રિનિંગની વ્યવસ્થા હોવી જોઇએ.
- માત્ર લક્ષણો વિનાના સ્ટાફને અને ગ્રાહકોને રેસ્ટોરન્ટમાં પ્રવેશ આપવામાં આવે.
- કર્મચારીઓને માસ્ક લગાવીને અથવા તો ફેસ કવર કરીને જ અંદર એન્ટ્રી આપવામાં આવે અને તે કામ દરમિયાન પહેરીને રાખે.
- રેસ્ટોરન્ટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને સ્ટાફને કામ પર બોલાવવામાં આવે.
- હાઇરિસ્ક વાળા કર્મચારીઓ અંગે ખાસ ધ્યાન રાખવામાં આવે. તેમની પાસે વધુ લોકો સંપર્કમાં આવે તેવા સ્થળે કામ ન કરાવવામાં આવે. શક્ય હોય તો કર્મચારીને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપવામાં આવે.
- રેસ્ટોરન્ટ એરિયા, પાર્કિંગ અને આસપાસના વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવામાં આવે તેમજ કોરોના અંગેના પોસ્ટર પણ લગાવવામાં આવે.
- ગ્રાહકોની સંખ્યા વધુ થાય તો તેમને વેઇટિંગ એરિયામા બેસાડવામાં આવે.
- વોલેટ પાર્કિંગમાં ડ્યૂટી કરતા સ્ટાફને માસ્ક, હેન્ડ ગ્લવ્ઝ પહેરવા જરૂરી રહેશે. તે સિવાય પાર્કિંગ બાદ કારના સ્ટિયરિંગ, ગેટના હેન્ડલને સેનિટાઇઝ કરવું પડશે.
- રેસ્ટોરન્ટ એરિયામાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે ફ્લોર માર્કિંગ કરવું પડશે. જેથી લોકો નિર્ધારિત 6 ફુટના અંતર સુધી લાઇનમાં ઉભા રહી શકે.
- ગ્રાહકોના આવવા અને જવા માટે અલગ અલગ ગેટ હોવા જોઇએ.
- રેસ્ટોરન્ટમાં ભોજન આપવા માટે ડિસ્પોઝેબલનો ઉપયોગ કરી શકાય છે. હાથ ધોવા માટે ટુવાલની જગ્યાએ સારી ગુણવત્તાના નેપકિનનો ઉપયોગ કરવો જોઇએ.
- 2 ટેબલ વચ્ચે પણ યોગ્ય અંતર જરૂરી છે. રેસ્ટોરન્ટમાં 50 ટકા સિટીંગ કેપેસિટીથી વધુ લોકો એકસાથે બેસીને નહીં જમી શકે.
- ગ્રાહકો અને રેસ્ટોરન્ટને બફેટ સર્વિસ દરમિયાન પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવું પડશે.
- એલિવેટર્સમાં એકસાથે વધુ લોકોના જવા પર પ્રતિબંધ રહેશે.
કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે ત્યારે શોપિંગ મોલ, ધાર્મિક સ્થળ, હોટલ ખોલવાથી નવા પડકારો સામે આવી શકે છે. ભારત લૉકડાઉનની બહાર નીકળવાની તૈયારી કરી રહ્યું છે. દેશમાં સંક્રમણના કેસ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 85,975 છે. ત્યારબાદ તમિલનાડુ 30,152, દિલ્હીમાં 28,936 , ગુજરાતમાં 20,097 અને રાજસ્થાનમાં 10,559 કેસ છે. આ 5 રાજ્યો કોરોના વાઈરસથી સૌથી વધુ પ્રભાવિત છે.
મોલમાં સિનેમાં હૉલ, ગેમિંગ આર્કેડ અને બાળકોને રમવાની જગ્યા પહેલાની જેમ પ્રતિંબધ સ્થળમાં રહેશે.
પંજાબ સરકારના દિશા-નિર્દેશો મુજબ મોલમાં પ્રવેશ માટે ટોકનના નિયમનું પાલન કરવાનું રહેશે. ગુજરાતમાં કેટલાક ધાર્મિક સ્થળોમાં ભક્તોના આગમન માટેનો સમય સૂચવતા ટોકન સિસ્ટમ શરુ કરવામાં આવી છે. જેથી સામાજિક અંતરના નિયમોનું પાલન થાય અને કોઈ ભીડ ન થાય. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે 8 જૂનથી ભારતના પુરાતત્ત્વીય સર્વેક્ષણ હેઠળ પૂજા સ્થળો ધરાવતા 820 કેન્દ્રીય સંરક્ષિત સ્મારકોને ખોલવાની મંજૂરી આપી છે.
દિલ્હીમાં મોલ, રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળ ખુલશે. દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ કહ્યું કે, ઐતિહાસિક મસ્જિદ આજથી ખુલશે. જેમાં સુરક્ષાના પણ પગલા ભરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના દિશાનિર્દેશો અનુસાર કર્ણાટક સરકારે ધાર્મિક સ્થળો માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન તેમજ પ્રસાદ અને પુજા પર રોક લગાવવામાં આવી છે.
ગોવામાં ચર્ચ અને મસ્જિદ વધુ સમય માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે ધાર્મિક સ્થળો ખોલવા પર હજુ નિર્ણય કર્યો નથી.
આપને જણાવી દઈએ કે, દેશમાં સતત 5 દિવસથી કોવિડ-19 કેસોમાં રોજના 9,000 થી વધુના કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 2,46,628 પર પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 6,929 પર પહોંચી ગયો છે.