મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદે શપથ લેતાની સાથે જ માત્ર 24 જ કલાકમાં ઉદ્ધવ ઠાકરે સરકારે ફડણવીસ સરકાર દ્વારા લીધેલો એક મહત્વનો નિર્ણય જ પલટી નાખ્યો છે. ઉદ્ધવ ઠાકરે સરકારે મુંબઈના આરે કોલોનીમાં બનનારા મેટ્રો કાર શેડ પ્રોજેક્ટ પર જ રોક લગાવી દીધી છે. અનેક પર્યાવરણ પ્રેમીઓના વિરોધ અને અદાલતી પડકાર બાદ ઉદ્ધવ ઠાકરે સરકારે આદેશ આપ્યો છે કે, આગામી આદેશ સુધી આરે કોલોનીમાં કોઈ પણ ઝાડ કાપવામાં ના આવે.
CM ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, મેં જ અધિકારીઓને આરે મેટ્રો કાર શેડ પ્રોજેક્ટના નામને રોકી દેવાનો આદેશ આપ્યો છે. હાલ મેટ્રોના કામ માટે કોઈ જ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી પરંતુ મારા આગામી આદેશ સુધી આરેમાં એક પાંદડુ પણ કાપવામાં ના આવે.
આરે કોલોનીમાં ઝાડને કાપવાના વિરોધમાં મુંબઈમાં મોટાપાયે આંદોલન થયું હતું. તે સમયે રાજ્ય સરકારમાં ભાગીદાર હોવા છતા શિવસેનાએ ઝાડને કાપવાનો વિરોધ કર્યો હતો. 4 ઓક્ટોબરના રોજ બોમ્બે હાઈકોર્ટે આરે કોલોનીને જંગલ જાહેર કરવા અને ઝાડને કાપવા પર પ્રતિબંધ મુકવા ઈન્કાર કર્યો હતો. ત્યારબાદ આશરે 2000 ઝાડને કાપવામાં આવ્યા હતા. ત્યારબાદ સામાજીક કાર્યકર્તાઓએ ઝાડ કપાતા અટકાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. 7મી ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટે ઝાડ કાપવા પર પ્રતિબંધ મુક્યો હતો.
મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, હું પ્રથમ વખત મંત્રાલયમાં ગયો છું. જ્યાં મે સચિવો સાથે મુલાકાત કરી હતી અને એક-બીજા વિશે જાણકારી મેળવી હતી. મુખ્યપ્રધાને કહ્યું હતું કે મે અધિકારીઓને આદેશ આપ્યો છે કે કરદાતાઓના નાણાંનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે.