મુંબઈઃ મીરા ભાયંદર વિસ્તારના કોર્પોરેટરે થોડા દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરીને ભાજપના પૂર્વ ધારાસભ્ય સહિત બે લોકો વિરુદ્ધ દુષ્કર્મ અને ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. આ વીડિયોને પગલે ખળભળાટ મચી ગયો હતો.
પીડિતા કોર્પોરેટરે આક્ષેપ કર્યો હતો કે, 1999થી આ લોકો તેને તેમજ તેના પરિવારને ધમકીઓ આપી રહ્યાં છે. ભાજપના પૂર્વ ધારાસભ્યનો એક સ્ટિંગ વીડિયો પણ તેણે બનાવ્યો હતો અને તે પાર્ટીના ઉચ્ચ નેતાઓને મોકલ્યો હતો. જો કે, આ વીડિયો પણ કોઈએ લીક કરી દીધો હતો. મળતી માહિતી પ્રમાણે, ત્રણ દિવસ અગાઉ જ મહેતાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે.
મળતી વિગતો મુજબ મુંબઈના ભાજપના પૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર મહેતા અને સંજય તારકર વિરુદ્ધ મીરા ભાયંદરના મહિલા કોર્પોરેટરે દુષ્કર્મ આચર્યું હોવાની તેમજ ધમકીઓ અને ત્રાસ આપતો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બન્ને સામે દુષ્કર્મનો ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ ફરાર થઈ ગયા હોવાથી ધરપકડ થઈ શકી નથી તેમ પોલીસે જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા પ્રમાણે, ફરિયાદને આધારે પૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર મહેતા અને તારકર વિરુદ્ધ IPC 376 હેઠળ દુષ્કર્મની કલમ નોંધવામાં આવી છે. તેમજ અન્ય એટ્રોસિટી સંલગ્ન કલમ પણ ઉમેરવામાં આવી છે.