નવી દિલ્હી: મધ્ય પ્રદેશના રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયા અને કોંગ્રેસના 22 ધારાસભ્યોના રાજીનામા બાદ કમલનાથ સરકાર પર સંકટ મંડરાઈ રહ્યું છે, જ્યારે ભાજપ સરકાર બનાવવાની તૈયારી કરી રહી હોવાનું લાગી રહ્યું છે. આ દરમિયાન ભોપાલના ભાજપના ધારાસભ્ય દિલ્હી પહોંચ્યા હતા. તમામ ધારાસભ્યોને વિશેષ વિમાન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યાં હતાં.
આ દરમિયાન ભાજપ રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયએ કહ્યું કે, અમે અહીં તહેવારની ઉજવણી કરવા આવ્યાં છીએ, ઉજવણીના મુડ સાથે અમે થોડા દિવસો દિલ્હીમાં વિતાવશું. હરિયાણાના ગુરૂગ્રામમાં આઈટીસી ગ્રાન્ડ ઈન્ડિયામાં ભાજપના ધારાસભ્યોની રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મંગળવારે રાત્રે 9.30 વાગ્યે ભાજપ દ્વારા બે બસોમાં ધારાસભ્યોને લવાયા હતા. મળતી માહિતી મુજબ ભાજપ પોતાના ધારાસભ્યોને પક્ષપલટો ન કરે તે બદલ દિલ્હી લાવવામાં આવ્યાં છે. આ સાથે જ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને મધ્ય પ્રદેશથી ક્યાંક બહાર મોકલવાની તૈયારી કરી રહી છે.
ગુરૂગ્રામમાં રહેશે ધારાસભ્યો
મોડી રાત્રે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યાં હતા. જે બાદ તેમણે ત્યાથી ગુરૂગ્રામ લઈ જવામાં આવ્યાં હતા. બધા ધારાસભ્યો ગુરૂગ્રામની ITC ગ્રાન્ડ ઈન્ડિયા હોટલમાં રોકાયા છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા મધ્ય પ્રદેશ ભાજપ કાર્યાલયમાં લગભગ ચાર કલાક સુધી બેઠક યોજાઈ હતી, ત્યારબાદ ભાજપના તમામ 107 ધારાસભ્યોને ચાર્ટર્ડ બસ દ્વારા ભોપાલ એરપોર્ટ મોકલવામાં આવ્યાં હતાં. જ્યાંથી મોડી રાત્રે તમામ ધારાસભ્યોને ભોપાલથી દિલ્હી પહોંચાડવામાં આવ્યાં હતા. કમલનાથ રાજકારણના દિગ્ગજ માનવામાં આવે છે, કેટલાક વિદ્રોહની આશંકાને પગલે ભાજપ તેના ધારાસભ્યોને દિલ્હી ખાતે ખસેડ્યાં છે.
સિંધિયાનું કોંગ્રસમાંથી રાજીનામું...
હોળીના દિવસે કોંગ્રેસના પીઢ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ હાથનો સાથ છોડી દીધો હતો. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી રાજકીય અટકળો વચ્ચે રાજ્યના 20 પ્રધાનોએ સોમવાર રાત્રે રાજીનામું આપ્યું હતું, જ્યારે સિંધિયા સહિત 22 ધારાસભ્યોએ મંગળવારે રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ હવે સરકારનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે. જો કે, દિવસભર એવી અટકળો ચાલતી હતી કે, સિંધિયા ભાજપમાં જોડાશે. મંગળવારે ભાજપના વિધાનસભા પક્ષની બેઠકમાં કોંગ્રેસે સિંધિયા વિરૂદ્ધ સર્વાનુમતે નિંદા પ્રસ્તાવ પસાર કર્યો હતો, જ્યારે ભાજપે રાજ્યસભાની ચૂંટણીની રણનીતિ પર કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.