બિહારના વૈશાલી જિલ્લામાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે. શાંતિ જાળવવા માટે ભગવાન હનુમાનને પોલીસ કસ્ટડીમાં લેવા પડ્યા છે. પોલીસે આ મામલે બે જુદા જુદા પક્ષો વતી બે અલગ અલગ કેસ નોંધ્યા છે.
એક પોલીસ અધિકારીએ કહ્યું, પાનાપુર ગૌરહી ગામના બાલવા ક્વોરી ઠાકુરબારીમાં વિવાદિત જમીન પર કેટલાક લોકો (ત્રીજા પક્ષો)એ ભગવાન હનુમાનની પ્રતિમા સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ઠાકુરબાદી સમિતિના લોકો રોષે ભરાયા હતા. જ્યારે ગુરુવારના રોજ આ બાબતને લઇ વિરોધ વકર્યો હતો. કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો હતો અને ત્યાંથી મૂર્તિને હટાવવાની માંગ કરી હતી.
આ પછી બંને પક્ષે ટકરાવની સ્થિતિ સર્જાઇ હતી. બાતમી મળતાં સદર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હનુમાનજીની મૂર્તિને કબ્જે કરી હતી.
હાજીપુરના નાયબ પોલીસ અધિક્ષક રાઘવ દયાલે જણાવ્યું હતું કે, બંને તરફથી લેખિત અરજી કર્યા બાદ સદર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, જાહેર જમીન પર મંદિર અથવા પ્રતિમા સ્થાપવાની પ્રતિબંધ છે. ભગવાન હનુમાનની મૂર્તિને કબ્જે કરી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, વિવાદનો અંત લાવવા અને શાંતિ જાળવવા માટે ભગવાન હનુમાનની મૂર્તિને ગામમાંથી હટાવી હતી અને પોલીસે તેની કસ્ટડીમાં લીધી હતી.