એપ્રિલ અને મે મહિનામાં સાત-આઠ તબક્કામાં ચૂંટણી થઈ શકે છે. ચૂંટણી કમિશનના અધિકારીઓની શનિવારે એક બેઠક યોજાઈ હતી. જે બાદ તેજ અટકળો છે કે, મંગળવાર સુધીમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. સુત્રો અનુસાર રવિવારથી લઈ મંગળવાર સુધી વિજ્ઞાનભવન બુક કરવામાં આવ્યો છે. જેથી મનાઈ રહ્યું છે કે, ચૂંટણી કાર્યક્રમની ઘોષણા વિજ્ઞાન ભવનમાં જ થશે.
લોકસભા ચૂંટણી માટેની તમામ તૈયારીઓ થઈ ચુકી છે. હાલની લોકસભાનો કાર્યકાળ 3 જૂને પૂર્ણ થઈ રહ્યો છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે આચારસંહિતા પણ પણ લાગુ કરવામાં આવશે. તેમજ તારીખોની ઘોષણા થયાં બાદના સપ્તાહમાં પહેલા અને બીજા તબક્કાના મતદાન માટે નિરીક્ષકોની બેઠક યોજાશે. સુત્રો અનુસાર પહેલા તબક્કાના મતદાન માટેની સૂચના માર્ચના અંત સુધીમાં જાહેર થઈ શકે છે અને તેના માટે એપ્રિલના પહેલા સપ્તાહમાં મતદાન થવાની સંભાવના છે.
શક્યતા છે કે, ચૂંટણી કમિશનની પરંપરા અનુસાર જોઈએ તો આંધ્રપ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી પણ લોકસભા ચૂંટણી સાથે કરી શકે છે. જમ્મુ-કશ્મીર વિધાનસભા ભંગ થઈ ગઈ છે. જેથી ચૂંટણી કમિશન મે માસમાં સમાપ્ત થતા 6 મહિનાનો સમયગાળાને ધ્યાનમાં રાખી જમ્મુમાં પણ ચૂંટણી કરવી શકે છે. જો કે પુલવામા હુમલાની ઘટના બાદ રાજ્યમાં વધુ સુરક્ષા વ્યવસ્થા કરવાની જરુર રહેશે.
જોકે, લોકસભાની ચૂંટણીની તારીખો પહેલા ચૂંટણી આયોગની જેમ રાજકીય પક્ષો પણ જોરશોરથી તૈયારીઓ કરી રહ્યાં છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં અમુક ઉમેદવારો નામ જાહેર કરી દીધા છે. સાથે સાથે પાર્ટીઓ અન્ય પક્ષો સાથે ગઠબંધન કરવા પણ કમર કસી રહી છે. ભાજપે શુક્રવારે ઝારખંડમાં આજુસ સાથે ગઠબંધન કરી સીટોની વહેંચણી કરી છે.