શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીની ધરપકડ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ચેકિંગ દરમિયાન પકડાયેલા આતંકીની ઓળખ રફીક અહમદ રાથર ઉર્ફે હાજી તરીકે થઈ હતી. જે તહેનાત સુરક્ષા કર્મચારીઓ પર ગ્રેનેડ હુમલો કરવાના પ્રયાસ દરમિયાન પકડાયો હતો.
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાંથી સુરક્ષા દળો દ્વારા લશ્કર-એ-તૈયબાના આતંકીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ તેની પાસેથી દારૂગોળો પણ મળી આવ્યો છે. આ માહિતી પોલીસે આપી હતી.
તેમણે કહ્યું કે, તપાસ દરમિયાન પકડાયેલા આતંકવાદીની ઓળખ રફીક અહમદ રાથર ઉર્ફે હાજી તરીકે થઈ છે જે ચંદ્રગિરનો રહેવાસી છે. નાકા ખાતે તૈનાત સુરક્ષા કર્મચારીઓ પર ગ્રેનેડ હુમલો કરવાનો પ્રયાસ કરતા પકડાયો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, તેના કબજામાંથી 2 જીવંત ગ્રેનેડ અને એ.કે.47 રાઇફલના 19 જીવંત કારતૂસ મળી આવ્યાં હતાં.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ આતંકવાદી તાજેતરમાં જ લશ્કરમાં જોડાયો હતો અને તેને હાજિન વિસ્તારની આજુબાજુ સુરક્ષા દળો પર ગ્રેનેડ હુમલો કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેસ નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.