- કરાચીની જેલમાં કેદ હતો શમશુદ્દીન
- 28 વર્ષ બાદ પરિવારજનો સાથે થયું મિલન
- પારિવારિક વિખવાદ થતા પાકિસ્તાન જતો રહ્યો હતો
ઉત્તર પ્રદેશ: કાનપુરનો રહેવાસી શમશુદ્દીન પાકિસ્તાનની કરાંચીની જેલમાં સજા કાપી 28 વર્ષ બાદ પોતાના વતન પરત ફર્યો હતો. અમૃતસરના કવોરેંટાઈન સેન્ટરમાં થોડો સમય રાખ્યા બાદ તેને તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી કાનપુર મોકલી દેવામાં આવ્યો હતો.
26 ઑક્ટોબરે પૂર્ણ થઇ સજા
શમશુદ્દીનને ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવાના ગુનામાં 24 ઑક્ટોબર 2012ના રોજ જેલની સજા થઈ હતી જે 26 ઑક્ટોબરે પૂર્ણ થતા તેને ભારતીય સેનાને સોંપી દેવામાં આવ્યો હતો.
પિતા સાથે થયો હતો અણબનાવ
કાનપુરના કંધી મોહાલના રહેવાસી શમશુદ્દીનને પિતા સાથે અણબનાવ થતા તે 1992માં ઘર છોડીને દિલ્હી જતો રહ્યો હતો જ્યાંથી તે પાકિસ્તાન જતો રહ્યો. તે 90 દિવસના વિઝા પર પાકિસ્તાન જતો રહ્યો હતો. ત્યારબાદ બંને દેશો વચ્ચે સતત તણાવ અને ઘર્ષણનો માહોલ રહેતા તે ત્યાં જ રહી મોચીકામ કરવા લાગ્યો. 1994 માં તેણે તેની પત્ની અને બાળકોને પણ ત્યાં બોલાવી લીધા. ત્યારબાદ મુશર્રફ સરકારમાં પરિસ્થિતિ સુધારતા તેણે 2006 માં તેમને પાછા કાનપુર મોકલી દીધા.
વિઝા અધિકારીઓએ ભારતીય એજન્ટ હોવાનો મૂક્યો આરોપ
2012માં વતન પરત ફરવા માટે તેણે પાકિસ્તાનના વિઝા અધિકારીઓ સાથે વાત કરતા તેમણે તેને ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરવાના ગુના હેઠળ પોલીસને સોંપી દીધો હતો. તેના પરિવારજનો તેમજ સ્થાનિક તંત્રની મદદથી આખરે 26 ઑક્ટોબરે તેની સજા પૂર્ણ થતા તેનો જેલમાંથી છૂટકારો થયો હતો. શમશુદ્દીને વતન પરત ફરવા બદલ સ્થાનિક તંત્ર, કાનપુર પોલીસ તેમજ ભારતીય સેનાનો આભાર માન્યો હતો.