જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી સેક્રેટરી જી.એલ. શર્મા દ્વારા ગત રોજ જારી કરવામાં આવેલી યાદી મુજબ જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં વર્ષ 2020માં 27 સરકારી રજાઓ ઉજવવામાં આવશે. જે વર્ષ 2019ની સરખામણીએ એક રજા ઓછી છે. આ વર્ષે 28 સરકારી રજા જાહેર કરવામાં આવી હતી.
એક આદેશમાં જણાવાયું છે કે, બે સરકારી રજાઓ 13 જુલાઈએ મનાવવામાં આવતો શહીદ દિવસ અને 5 ડિસેમ્બરે મનાવવામાં આવતી શેખ અબ્દુલ્લાની જન્મજયંતિને વર્ષ 2020 માટે જાહેર કરવામાં આવેલી સરકારી રજાઓની યાદીમાંથી બાકાત કરવામાં આવી છે.
જોકે, આ રજાઓની યાદીમાં 26 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવતા 'વિલય દિવસ'ને આગામી વર્ષની સરકારી જાહેર રજા તરીકે સામેલ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત 46 અન્ય રજાઓ છે, જેમાં કાશ્મીર ક્ષેત્રની ચાર, જમ્મુની ત્રણ ક્ષેત્રીય રજાઓ, અન્ય આઠ સ્થાનિક રજાઓ અને ચાર વૈકલ્પિક રજાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વર્ષ 2019માં આવી કુલ 47 રજાઓ હતી.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના તત્કાલીન મહારાજા હરિસિંહે 26 ઓક્ટોબર 1947ના રોજ વિલયના કરાર પર (ઈન્સ્ટ્રુમેન્ટ ઓફ એસેસન) હસ્તાક્ષર કર્યા હતા, જેના એક દિવસ પછી ભારતના તત્કાલીન ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટને હસ્તાક્ષર કર્યા હતા.