આખા દેશમાં એક તરફ બંધારણ દિવસની ઉજવણી પુરજોશમાં થઈ રહી છે. પરંતું આ વખતે જમ્મુ-કાશ્મીરમાં પહેલી વખત બંધારણદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતના પ્રજાસત્તાક બન્યા બાદ સમગ્ર દેશમાં બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું, પરંતું કલમ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળેલ હતો અને જમ્મુ-કાશ્મીર પાસે પાતાનું આગવું રાજ્ય બંધારણ હતું. ઑક્ટોબર 2019માં કલમ 370 નાબુદ કરવામાં આવી હતી. જે બાદ હવે જમ્મુ-કાશ્મીર પણ ભારતના બંધારણ હેઠળ આવી ગયું છે. આથી 70 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં સૌપ્રથમ વખત બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીરના સામન્ય વહીવટ વિભાગના અધિક સચિવ સુભાષ સી છિબ્બરે સરકાર વતી સોમવારે જાહેર કર્યું હતું કે, બંધારણના ઘડવૈયાઓનાં યોગદાન બદલ આભાર પ્રગટ કરવા માટે સંઘપ્રદેશમાં પણ 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેની તૈયારી જોરશોરથી ચાલી રહી છે.
સરકારી કચેરીઓ સહિત તમામ સંસ્થાઓમાં બંધારણની પ્રસ્તાવના સવારે 11 વાગ્યે વાંચવામાં આવી હતી. ત્યાર બાદ લોકોએ મૂળભૂત ફરજોનું પાલન કરવાની શપથ પણ લીધી હતી.
રાષ્ટ્રવ્યાપી અભિયાનના ભાગ રૂપે, નવા રચાયેલા કેન્દ્રશાસિત પ્રદેશો પણ મંગળવારે મૂળભૂત ફરજોનાં સપથ અભિયાનની શરૂઆત કરાશે અને આગામી વર્ષે 14 એપ્રિલના રોજ ડૉ. ભીમ રાવ આંબેડકરની જન્મજયંતિ પર સમાપ્ત થશે.
ઉલ્લેખનીય છે કે, 26 નવેમ્બરનું ઐતિહાસિક મહત્વ છે. 1949માં આજનાં દિવસે જ ભારતીય બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. 26 જાન્યુઆરી 1950ના રોજ તે સંપૂર્ણ લાગુ કરવામાં આવ્યું હતું. અને આ સાથે ભારત પોતાના બંધારણ સાથે પ્રજાસત્તાક બન્યો હતો..