રાષ્ટ્રીય અન્વેષણ એજન્સીની તપાસમાં ખુલાસો થયો છે કે, પાકિસ્તાન સ્થિત ISI અને ડી-કંપનીની સાંઠગાંઠથી દેશમાં નકલી નોટોનો પુરવઠો ફરી એક વખત શરૂ થયો છે. હકીકતમાં ભારતીય ગુપ્ત એજન્સીઓને નકલી નોટોનો ધંધો કરનાર ગેંગસ્ટર યુનુસ અંસારીની નેપાળમાથી ધરપકડ કરવામાં આવી છે. જે બાદ તેની પૂછતાછ કરતા નકલી નોટો સાથે જોડાયેલા ધંધાની સાંઠ-ગાંઠ પરથી પરદો ઉઠ્યો હતો.
અંસારીની સાથે-સાથે ત્રણ પાકિસ્તાની નાગરિકોને પણ પકડવામાં આવ્યા છે. જેની ઓળખ મુહમ્મદ અખ્તર, નાદિયા અનવર અને નસીરુદ્દીનના રૂપમાં કરવામાં આવી છે. ભારતીય અધિકારીયોના જણાવ્યા પ્રમાણે, અંસારીના ISI અને દાઉદ ઈબ્રાહિમ સાથે નજીકના સંબંધો ધરાવે છે અને તેઓ નકલી નોટોનો ધંધો કરનાર ટોળકીનો સૌથા મોટો ખિલાડી છે. એક અધિકારીએ જણાવ્યું કે, ધરપકડ સમયે અંસારી અને તેના સાથીદારો પાસેથી 7 કરોડ રૂપિયાની નકલી નોટો મળી આવી હતી.
અંસારીએ પૂછતાછમાં જણાવ્યું કે, ભારતમાં હવે નકલી નોટો માત્ર નેપાળથી જ નહી, પરંતુ બાંગ્લાદેશથી ભારતના પૂર્વીય સરહદીય વિસ્તારોમાંથી દેશમાં આવી રહી છે. તેણે વધુમાં કહ્યું કે, આ નોટો બાંગ્લાદેશમાં છાપવામાં આવી છે અને રાષ્ટ્રીય રાજધાનીના વ્યસ્ત બજારો અને દુકાનોમાં ખપાવવાની યોજના હતી.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન પહેલા ભારતમાં નકલી નોટો મોકલવા માટે નેપાળના માર્ગનો ઉપયોગ કરતું હતું. તાજેતરમાં પશ્ચિમ બંગાળના એક માણસને આનંદ વિહાર રેલવે સ્ટેશનથી 10 લાખની રૂપિયાની નકલી નોટો સાથે ધરપકડ કરવામાં આવી હતી.