ETV Bharat / bharat

શું આવી રીતે ખેડૂતો રાજી થશે ખરા ? - Farm Bill 2020 in Rajya Sabha

પૂરતું વળતર ના મળવાના કારણે ખેતી છોડી રહેલા ખેડૂતોની સંખ્યામાં દેશમાં વધારો થઈ રહ્યો છે. આવા સંજોગોમાં ખેડૂતોને હૈયાધારણ આપવાની ફરજ સરકારની છે, પણ સરકાર કલ્યાણની યોજનાઓ જાહેર કરીને આશા બંધાવી રહી છે અને કૃષિ સુધારાઓના પ્રયાસો કરી રહી નથી.

ગુજરાતીસમાચાર
farmers
author img

By

Published : Sep 22, 2020, 8:02 PM IST

નવી દિલ્હી: કેન્દ્ર સરકારનું કહેવું છે કે હાલમાં જ સંસદમાં પસાર કરેલા ખરડાઓથી ખેડૂતોને બહુ ફાયદો થશે. સરકારનું વલણ ખેડૂતોની હાલાકી દૂર કરવા ખેતીની વાસ્તવિક સ્થિતિને સમજ્યા વિના કોર્પોરેટ કંપનીઓને ફાયદો કરાવવાનું દેખાઈ રહ્યું છે અને આ બાબતથી ખેડૂત સંગઠનો રોષે ભરાયા છે.

ઉત્પાદનના સ્થળે જ વેચાણ

કેન્દ્ર સરકારે જૂનમાં ખેડૂતોના હિતના નામે વટહુકમો બહાર પાડ્યા હતા, તેને કાયદેસરનું સ્વરૂપ આપવા ત્રણ ખરડા લોકસભામાં પસાર કર્યા છે.

તેમાં એક છે ખેડૂતોને દેશમાં કોઈ પણ સ્થળે પોતાના ઉત્પાદનો વેચવાનો અધિકાર આપતો કાયદો. બીજો કાયદો છે કોન્ટ્રેક્ટ પદ્ધતિથી ખેતી કરવા માટે વેપારી અને ખેડૂત વચ્ચે કરાર થાય તેને કાયદેસરનો દરજ્જો આપવા માટેનો. ત્રીજો કાયદો આવશ્યક ચીજવસ્તુ ધારામાં ફેરફાર છે, જેના દ્વારા અનાજ, તેલિબિયાં વગેરેના સંગ્રહ પરના પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા છે.

સરકાર કહી રહે છે કે ખેડૂતો પોતાનો પાક ઇચ્છા મુજબ વેચી શકશે. પરંતુ સવાલ એ છે કે નાનો ખેડૂત પોતાનો પાક લઈને ક્યાં બીજા રાજ્યમાં વેચવા જવાનો છે? દેશના 86% ખેડૂતો નાના અને સીમાંત છે અને તેઓ પોતાના ખેતરમાં જ પાક ઊભો હોય ત્યારે જ વેચી નાખે છે. કયો ખેડૂત બીજા રાજ્યમાં પાક વેચવા જવાની ત્રેવડ ધરાવે છે?

વેપારીઓ રિંગ કરી લેતા હોય છે અને ખેડૂતો પાસેથી સસ્તામાં ઉત્પાદનો પડાવી લેતા હોય છે. અત્યારે સરકારી નિયંત્રણમાં પણ તંત્ર આમ થતું રોકી શકતું નથી, ત્યારે શું મુક્ત વ્યાપાર પછી વેપારીઓને નિયંત્રણમાં રાખી શકાશે?

તેલંગાણાના કપાસ બજારમાં આવું શોષણ ચોખ્ખું દેખાઈ આવતું હોય છે. વેપારીઓને નિયંત્રણમાં રાખવામાં અધિકારીઓ નિષ્ફળ જાય છે તેની સામે ખેડૂતોનો રોષ આપણને જોવા મળતો રહે છે. ખેડૂતોને પોતાના પાક ગમે ત્યાં વેચવાની છૂટ આપવામાં આવશે તો માર્કેટિંગ યાર્ડ બંધ થઈ જશે. મુખ્ત વેપારમાં ખેડૂતોના નામે લેભાગુઓ જ વેપાર કરતા થઈ જશે.

છેલ્લે એ સ્પષ્ટ છે કે સરકારના આ પગલાંઓથી આખરે વેપારીઓ જ ફાવી જવાના છે. આ વર્ષે મકાઈનો ભાવ ક્વિન્ટલના 2,000 રૂપિયા મળશે તેવી આશા હતી. તેના બદલે અત્યારે તે માત્ર 1,300 રૂપિયા ક્વિન્ટલે વેચાઈ રહ્યો છે. આવા સંજોગોમાં સરકારે ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ. તેના બદલે સરકાર ખેડૂતોને કહે કે જાવ દેશમાં ગમે ત્યાં પાક વેચી આવો તો શું તેનાથી ખેડૂતો રાજી થશે?

ગમે ત્યાં માલ વેચવાની છૂટ બરાબર છે, પણ એક કે બે એકર જમીન ધરાવતા ખેડૂતની ક્ષમતા ક્યાં છે કે તે માલ ભરીને દૂર સુધી વેચવા જાય. વેપારીઓની ચાલાકી સામે ખેડૂતોનું કંઈ ચાલવાનું નથી અને આ વાત સરકાર પણ જાણે છે.

કોન્ટ્રેક્ટ ફાર્મિંગનો કાયદો

બીજો કાયદો તપાસીએ ત્યારે ખ્યાલ આવે છે કે નબળાં બિયારણ કંપનીએ વેચ્યા હોય ત્યારે ખેડૂતોને વળતર અપાવવાની બાબતમાં સરકાર નિષ્ફળ જ નિવડી છે. કંપનીઓ અમુક પ્રકારના બિયારણ ખેડૂતને આપશે અને તેનું વાવેતર કરવા માટેના કરાર કરશે. તેના માટે અગાઉથી ભાવ પણ નક્કી હશે.

ભૂતકાળમાં એવું થયું છે કે આ કંપનીઓએ ખેડૂતોને એમ કહીને લલચાવ્યા હતા કે તેમનું બિયારણ વાવીને તેઓ લાખો રૂપિયાનો પાક લઈ શકશે. જાફરા જેવી ઔષધીઓ, સાગના વૃક્ષો, કુંવારભાઠું, સફેદ મુસલી વગેરે વાવો અને કમાણી કરો એવું કહીને ખેડૂતોને બિયારણો વેચવામાં આવ્યા હતા. બિયારણ વેચ્યા પછી આ કંપનીઓ ગૂમ થઈ ગઈ હતી અને સરકાર તે બાબતમાં કશું કરી શકી નથી.

ખેડૂતો કહે છે કે કંપનીઓ સાથેના કરારને કાયદેસરનો દરજ્જો આપવામાં આવે તો ચિટિંગ વખતે તેની સામે કેસ કરી શકાય. પણ તેના કારણે આડકતરી રીતે ‘કરાર આધારિત ખેતી’ થઈ જવાની છે. એવી દલીલો થઈ રહી છે કે એગ્રીમેન્ટ એગ્રીકલ્ચરનું ચલણ વધશે તો આખી ખેતી કંપનીઓના હાથમાં જતી રહેશે અને ખેડૂતો પોતાના જ ખેતરમાં માત્ર ખેતમજૂરો બનીને રહી જશે.

આ જોગવાઈની સૌથી મોટી ખામી એ છે કે કૃષિ વિભાગની કોઈ ભૂમિકા કે જવાબદારી આમાં રહેતી નથી. વેપારીઓ કે કંપનીઓ સાથે ખેડૂતોએ જ સીધા કરાર કરવાના રહેશે. ગુજરાતમાં પેપ્સી માટે બટેટા ઉગાડવા ખેડૂતો સાથે કરાર થયા હતા તે મામલે મુકદ્દમા થયા છે તે અહીં યાદ કરવા જેવા છે.

આવશ્યક ચીજવસ્તુ ધારામાં ફેરફાર

આવશ્યક ચીજવસ્તુ ધારામાં પાકના સંગ્રહની બાબતમાં રહેલી મર્યાદાઓ દૂર કરવા માટે કાયદામાં ફેરફાર કરાયો છે. આવશ્યક ચીજવસ્તુ ધારાનો ઇરાદો એ હતો કે યુદ્ધ કે સંકટના સમયે સંઘરાખોરી ના થાય. મુશ્કેલ સ્થિતિમાં તેલિબિયાં, ફળો, શાકભાજી, અનાજ કે કઠોળની સંઘરાખોરી થાય અને ભાવો ભડકે ના બળે તે ઇરાદો હતો.

આ જોગવાઇમાં ફેરફાર કરીને સંગ્રહ માટેની છૂટ અપાઈ છે તેનો ફાયદો ખેડૂતો કરતાં વેપારીઓને જ વધારે થવાનો છે. ખેતપેદાશોના પ્રોસેસિંગનું કામ કરતી કંપનીઓને જ આમાં ફાયદો થઈ રહ્યો છે. આ કંપનીઓ મોટા પાયે સસ્તામાં ખરીદી કરીને માલ સંગ્રહી લેશે.

આ કાયદાના કારણે સીધી ખેડૂતો પાસેથી ખરીદીને સંગ્રહ કરી શકાશે. વેપારીઓ પણ સસ્તા ભાવે ખેડૂતો પાસેથી માલ ખરીદીને સંઘરી રાખશે અને કૃત્રિમ તંગી ઊભી કરીને ઊંચા ભાવે વેચશે. આ ફેરફારના કારણે હવે તેમને બેફામ રીતે વર્તવાની છૂટ મળી ગઈ છે.

સરકારે ખરીદી કરવી જોઈએ

કેન્દ્ર સરકારે આ જે કંઈ પગલાં લીધાં છે તેનાથી ખેડૂતોની આવક બમણી થવાની કોઈ શક્યતા રહેતી નથી. એ કડવી વાસ્તવિકતા છે કે આનાથી માત્ર વેપારીઓ અને કોર્પોરેટ કંપનીઓની આવકમાં જ દસ ગણો વધારો થશે. ખેડૂતોને મદદ કરવી હોય તો તેમને પોષણક્ષમ ભાવો મળવા જોઈએ. ડૉ. સ્વામીનાથને કરેલી ભલામણોનો અમલ કરવો જોઈએ અને ખેડૂતોને ખેતીમાં થતા ખર્ચથી 50 ટકા વધારે ભાવો મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

ખેડૂતોને મદદ કરવા માટે તેમને લઘુતમ ટેકાના ભાવો મળવા જોઈએ. માત્ર 22 ખેત પેદાશોને મળે છે તેના બદલે બધી જ પેદાશોને ટેકાના ભાવો મળવા જોઈએ. જો ઓછા ભાવે વેચાણ થતું હોય તો સરકારે દખલ દેવી પડે અને ખેડૂતોને નુકસાન થતું અટકાવવું પડે.

સરકારે પોતે ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ. આ કામ મહિલા સહકારી મંડળીઓને આપી શકાય. ખેત પેદાશો પર પ્રક્રિયા કરીને ઉત્પાદનો તૈયાર કરવાની બાબતમાં સરકારે જ મધ્યસ્થીની ભૂમિકા ભજવવી જોઈએ. ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને એ રીતે આગળ વધારવો જોઈએ કે ખેડૂતોને ફાયદો થાય અને તેમને નિયમિત આવક થતી રહે.

આવા પગલાં લેવામાં આવે તો જ ખેડૂતો પોતાના પગ પર ઊભા રહી શકશે. ખેડૂતોને મદદ કરવાના બદલે વેપારીઓ અને કંપનીઓને ફાવટ આવે તે પ્રકારના પગલાં લઈને સરકાર ખેડૂતોની મુશ્કેલી વધારી રહી છે. આવા સંજોગોમાં મતો લેવા ખાતર પીએમ કિસાન જેવી લોભામણી જાહેરાતો થાય તે ખેડૂતો અને જાતને છેતરવા જેવું જ છે.

- અમીરનેની હરીકૃષ્ણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.