ભારતમાં ગરીબીનું વિષચક્ર એટલું મજબૂત રીતે કામ કરે છે કે તે વિકાસની બધી અસરો ધોઈ નાખે છે. વિકસીત દેશોએ વિકાસની રાહમાં કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો હોય તે શબ્દોથી વર્ણવી શકાય તેમ નથી. ક્યારેક બાળકોના રસીકરણ, ક્યારેક મચ્છરોના ઉપદ્રવ સામે રક્ષણ, નિયમીત અને સારૂ શિક્ષણ, બાળકો માટેના શિક્ષણમાં સુધાર આ બધા કેટલાક મુખ્ય અને પ્રાથમિક મુદ્દાઓ છે જે વિકાસશીલ દેશો સામે પડકાર બનીને ઉભા છે. જ્યાં સુધી આપણે બાળકોમાં થતાં રોગો, બાળમરણ, શાળા ન જઇ શકવાને કારણ વધતી નીરક્ષરતા જેવા મુદ્દાઓનો યોગ્ય ઉકેલ જલદી જ નહીં લાવી દઇએ ત્યાં સુધી આ ગંભીર પ્રશ્નો પોતાની માઠી અસર છોડતા રહેશે.
માણસની પ્રગતિને અવરોધતી આ સમસ્યા માટે જાણીતા એવા ત્રણ અર્થશાસ્ત્રીઓએ ગહન ઉકેલો શોધી કાઢ્યા છે, તેમના આ ઉમદા કાર્ય માટે તેમને નોબેલ પુરસ્કારથી સન્માનીત પણ કરવામાં આવ્યા છે. આ ત્રણ મહાનુભાવમાંથી એક અભીજીત બેનરજી ભારતીય મૂળના છે અને ગરીબીની વૈશ્વિક સમસ્યાને નાબૂદ કરવાના ઉપાય શોધવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે, જે આપણા માટે ગર્વની વાત છે. જ્યારે મોટાભાગના દેશો પોતાની અર્થ વ્યવસ્થા સુધારવાની દિશામાં પગલાઓ લઇ રહ્યા છે અને તમામ સરકારો સબસીડીઝ તેમજ અન્ય પ્રોત્સાહનના ફાયદાઓમાંથી ધીમે ધીમે બહાર નીકળી રહી છે. ખરેખર તે એક ગર્વની બાબત છે કે ગરીબોના જીવન ધોરણમાં બદલાવ લાવવાની નવીન રીતો માટે લોકો જહેમત ઉઠાવે છે અને તેમના આવા કાર્ય બદલ તેમને નોબેલ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવે છે.
પરંપરાગત આર્થિક સિદ્ધાંતો ગરીબ અને ગરીબીની રેખા નીચે જીવતા લોકોના જીવન ધોરણોનું વિશ્લેષણ કરવામાં નિષ્ફળ જાય છે. ત્યારે અભિજીતની ટીમે તેના માટે અસરકારક અને બેજોડ સમાધાન શોધવાનું કપરૂ કાર્ય હાથ ધર્યું છે. તેમાં તેઓ પાયાની સમસ્યા જેવી કે આરોગ્ય, શિક્ષણ, આર્થિક વિકાસ જેવી બાબતોને ઓછા ખર્ચે ગરીબ પરિવારો સુધી પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે. તેઓ થીયરી છોડીને વાસ્તવિક પરિસ્થિતીને લક્ષમાં રાખે છે. આ પ્રયાસ ખરેખર સરહાનીય છે અને સકારાત્મક પરિણામો તરફ લઇ જાય છે.
સમસ્યાનો વ્યવહારીક ઉકેલ
‘વૈશ્વિક ગરીબીને હટાવવા માટેના પ્રયોગ’ પર શોધ કરવાથી ભારતીય મૂળના અમેરિકન અભિજીત બેનરજીએ આર્થિક નીતિઓ પર સંશોધન કર્યું છે, જે વૈશ્વિક ગરીબી ઓછી કરવામાં મદદરૂપ થશે. તેમણે પોતાની પત્ની એસ્તેય ડેફ્લો સાથે મળીને ગરીબી સામે વડત આપવાનો એક્શન પ્લાન ઘડ્યો છે. તેમની ટીમનું માનવું છે ગરીબ લોકોને પ્રાથમિક સુવિધાઓ ઉપરાંગ કેટલીક જરૂરી માહિતી, થોડું ઘણું ટેકનોલોજીનું જ્ઞાન અને થોડી આર્થિક સહાય કરવાથી તેમના જીવન ધોરણમાં ધરમૂળથી પરિવર્તન લાવી શકાય છે.
ગરીબી છે સામાજીક રોગ
કોઇપણ રોગની સારવાર યોગ્ય સમયે અને યોગ્ય પદ્ધતિથી કરવામાં આવે તો રોગને ડામી શકાય છે. લેબોરેટરીમાં પ્રયોગો કરી રોગ માટેની દવાઓ અને સારવારની અસરકારકતા જાણી કરી શકાય છે. તે જ રીતે ગરીબી અને નીરક્ષરતા માટે પણ આવી જ ઝુંબેશ ચલાવી જોઇએ. અભિજીત અને ડુફેલોએ પ્રયોગ સ્વરૂપે કેટલાક ગરીબ લોકોને કાચો સામાન, સેવાઓ અને સુવિધાઓ આપી અને પછી તેની અસરનો અભ્યાસ કર્યો. અને તેમની તુલના અન્ય લોકોની વર્તણૂંક સાથે કરી.
જોકે કેટલાક જાણકાર અર્થશાસ્ત્રીઓ આ પ્રકારની પ્રણાલીની ટીકા કરે છે. તેઓ ગરીબીને ઓછી કરવા માટે પ્રયાસો કરવા જોઇએ તેની હિમાયત કરે છે પરંતુ આ રીત તેમના મતે યોગ્ય નથી. અભિજીત અને તેના પત્ની ડુફેલોએ કેટલાક વિસ્તારોમાં પ્રયોગ સ્વરૂપે મચ્છરદાનીનું વિતરણ કર્યું, જેથી મચ્છરના કરડવાથી થતાં રોગોથી લોકોને બચાવી શકાય. તેમણે મફતમાં મચ્છરદાની વહેંચી હતી પરંતું મેલેરીયા જેવા મચ્છરજન્ય રોગોના નિદાન અને દવાઓના ખર્ચ કરતાં સાવચેતી રૂપે આપેલી મચ્છરદાનીનો ખર્ચ ઓછો હતો. અને આમ કરવાથી તેમણે મેલેરીયા જેવા રોગથી લોકોને બચાવ્યા. તેવી જ રીતે આ દંપત્તિએ રાજસ્થાનના એવા બાળકો કે જેણે રસીકરણ કરેલું છે તેમને એક કિલોગ્રામ ધાન્ય મફત આપ્યું હતું. તેનાથી રસીકરણનો દર 7 ટકામાંથી 69 ટકા જેટલો વધી ગયો. બિહારમાં ઉચ્ચ લોહ તત્ત્વ ધરાવતું મીઠું ઓછા દરે આપવામાં આવ્યું, જેનો ઉપયોગ બાળકોને અપાતા મધ્યાહન ભોજનમાં થવાથી બાળકોમાં એનીમીયાના કેસમાં ઘટાડો થયો. તેમણે સાબિત પણ કર્યું કે આ રીતે કરવામાં આવતી મદદથી લોકોની ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો કે આળસ જેવા લક્ષણો દેખાયા ન હતાં.
સૂચકાંકમાં સૌથી પાછળ
અન્ય સમૃદ્ધ દેશોની તુલનામાં, ભારતની આર્થિક વૃદ્ધિ ખૂબ ઝડપથી વધી રહી છે. પરંતુ વાસ્તવિક આર્થિક વિકાસ સૂચકાંકમાં ભારત ખૂબ પાછળ છે. માનવ વિકાસ સૂચકાંકમાં 189 દેશોમાં ભારત 130માં સ્થાને છે. વર્લ્ડ હંગર ઈન્ડેક્સમાં 117 દેશોમાં ભારત 102મો ક્રમ ધરાવે છે, અને વર્લ્ડ હેપીનેસ ઈન્ડેક્સમાં તે 156 દેશોમાં 140માં સ્થાને છે. વર્લ્ડ બેંકના ડેટા મુજબ ભારતની 20 ટકા વસ્તી ગરીબી સાથે સંઘર્ષ કરી રહી છે. યુનિસેફ ચિલ્ડ્રન્સના વાર્ષિક અહેવાલમાં જણાવ્યા અનુસાર, બાળમૃત્યુમાં 60 ટકા કુપોષણ જવાબદાર છે. રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે દેશમાં 17 ટકા બાળકો, તેમની યોગ્ય ઉંચાઈની તુલના કરવામાં પાછળ છે, 33 ટકા બાળકો અન્ય માપદંડોમાં પાછળ છે.
ઓલ ઈન્ડિયા સ્કૂલ એજ્યુકેશન રિપોર્ટ 2018 મુજબ પ્રાથમિક શિક્ષણ કક્ષાના 30 ટકા બાળકો નિયમિત શાળામાં જતા નથી. પ્રાથમિક સ્તરે ઓછામાં ઓછા અડધા બાળકો વાંચી અને લખી શકતા નથી. બીજી તરફ, ચારમાંથી એક વિદ્યાર્થી પ્રાથમિક શિક્ષણ પછી શાળા છોડી રહ્યા છે.
વર્ષ 2018ના ઑક્લફોમ અહેવાલ મુજબ, ભારતમાં આવકની અસમાનતા સૌથી વધુ છે. દેશની લગભગ 73 ટકા સંપત્તિ એક ટકા વસ્તીની માલિકીની છે. ત્યારે આ નવીન પ્રક્રિયાથી ગરીબી નાબૂદ કરવાની ખૂબ જ તાતી જરૂર છે. યુએન દ્વારા નિર્ધારિત વિકાસના લક્ષ્યો મેળવવા માટે સર્જનાત્મક આર્થિક નીતિઓ અપનાવવાની ખૂબ જરૂરિયાત છે. નોબેલ વિજેતાઓના પ્રયોગ અને અમલીકરણના પરિણામોના આધારે કહી શકાય તે આ નવી પ્રણાલી એ ગરીબીને દૂર કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેનો સંપૂર્ણ ઉપાય છે. દેશના જુદા જુદા ભાગોમાં ફેલાયેલી વિવિધ સમસ્યાઓ અંગે આપણે આ પધ્ધતિથી યોગ્ય ઉપાય શોધી લેવા જોઈએ. ભંડોળના અસરકારક રૂપે ફાળવણી માટે અને સારા પરિણામ પ્રાપ્ત કરવા માટે નોબેલ પારિતોષિક વિજેતાઓની નીતિઓનો અમલ થવો જરૂરી છે.
ડૉ. ચિરાલા શંકર રાવ (લેખક - નાણાકીય નિષ્ણાત)