નવી દિલ્હી: કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર માટે છેલ્લા એક અઠવાડિયાથી પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દિલ્હી સરકારની એલએનજેપી હોસ્પિટલમાં કોરોના ચેપગ્રસ્ત ચાર દર્દીઓ પર પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાંથી 2 દર્દીઓની હાલતમાં નોંધપાત્ર સુધારો થયો છે. આ જોતાં અરવિંદ કેજરીવાલે આજે કોરોના ચેપથી મુક્ત થયેલા લોકોને અન્ય દર્દીઓના જીવ બચાવવા પ્લાઝ્મા દાન કરવાની અપીલ કરી હતી.
શુક્રવારે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પ્લાઝ્મા થેરાપી અંગે તેમના નિવાસ સ્થાનથી ડિજિટલ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં કેજરીવાલે કહ્યું કે, ગયા અઠવાડિયે અમને કેન્દ્ર સરકારની મંજૂરી મળી છે કે, કોરોનાના સૌથી ગંભીર દર્દીઓ પર પ્લાઝ્મા થેરાપીનો ઉપયોગ થયો છે. જેનું પરિણામ સારૂ આવ્યું છે.
આ અંગે ડોક્ટર એસ.કે. સરીને જણાવ્યું હતું કે, આઈ.એલ.બી.એસ. હોસ્પિટલમાં મોટી બ્લડ બેંક છે. પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ પહેલાં પણ કરવામાં આવ્યો છે. અમારી પાસે કોરોના માટેની કોઈ દવાઓ નથી. જેથી એક ઉપાય તરીકે પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ થઈ શકે.