પિથૌરાગઢઃ ચીન અને નેપાળ સીમા સાથે જોડાયેલા પિથૌરાગઢ જિલ્લાના ધારચુલાને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યો છે. સીમા પર સુરક્ષાની તૈયારીઓ જોવા માટે સુરક્ષાબળોના શીર્ષ અધિકારી ધારચુલા પહોંચ્યા છે. રવિવારે ચીન અને નેપાળની સીમાના નિરીક્ષણ માટે આઇટીબીપી અને એસએસબીના આઇજી અને ડીઆઇજીની સાથે સેનાના કર્નલ રેન્કના અધિકારીએ લીપૂપાસ, કાલાપાની અને નાભીઢાંગનું નિરીક્ષણ કર્યું હતું.
મળતી માહિતી મુજબ વરિષ્ઠ અધિકારી અમુક દિવસ બોર્ડર પર જવાનોની સાથે રહેશે. મહત્વનું છે કે, નેપાળ બોર્ડર પર એસએસબીના ખૂણે-ખૂણે પોતાના જવાનો તૈનાત કરીને સુરક્ષામાં વધારો કર્યો છે. ગલવાન ઘાટીની ઘટના બાદથી લીપૂપાસમાં પણ આઇટીબીપી તેમજ ભારતીય સેનાએ 24 કલાક ચુસ્ત બંદોબસ્ત કર્યો છે.
નેપાળ સરકાર દ્વારા ભારતના કાલાપાની, લીપૂપાસ અને લિંપિયાધૂરાને પોતાના નક્શામાં દેખાડવા અને ચીની સૈનિકોને લીપૂપાસમાં બેનર લહેરાવીને ટીનશેડ હટાવવાની ચેતવણી બાદથી ભારત, નેપાળ અને ચીન બોર્ડરને હાઇ એલર્ટ પર રાખવામાં આવી છે.
જોકે નેપાળ અને ચીન તરફથી બોર્ડર પર કોઇપણ પ્રકારની હલચલની સૂચના નથી. પરંતુ ભારતીય સુરક્ષાબળો બંને સીમાઓ પર 24 કલાક ચોકીદારી કરીને સતત પેટ્રોલિંગ કરી રહી છે. ધારચુલાના એસડીએમ અનિલ કુમાર શુક્લાનું કહેવું છે કે, ગલવાનમાં થયેલી ઘટના બાદ ચીન અને નેપાળથી જોડાયેલા વિસ્તાર ધારચુલામાં સુરક્ષાબળોની સંખ્યા વધારવામાં આવી છે. આ સાથે જ સીમાઓ પર કડક નિરીક્ષણ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. એસડીએમે કહ્યું કે, સીમાઓ પર આ સમયે તણાવનો માહોલ જરુર છે, પરંતુ સ્થિતિ પુરી રીતે નિયંત્રણમાં છે.