નવી દિલ્હીઃ ભારત સરકારે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશનમાં કર્મચારીઓની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાન હાઈ કમિશનના ડેપ્યૂટી હાઈ કમિશનરને બોલાવીને આ નિર્ણયની જાણકારી આપવામાં આવી છે.
મંગળવારે ભારતે પાકિસ્તાનના હાઈ કમિશનમાં કર્મચારીઓની સંખ્યા આગામી 7 દિવસની અંદર 50 ટકા ઘટાડવાનું કહ્યું છે. વળી, ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશને પણ સમાન પ્રમાણમાં તેના કર્મચારીઓમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાન હાઈ કમિશનના ડેપ્યુટી હાઈ કમિશનરને બોલાવીને આ નિર્ણયની જાણકારી આપવામાં આવી છે. મંત્રાલયે કહ્યું કે આ નિર્ણયનું કારણ પાકિસ્તાન હાઇ કમિશનના અધિકારીઓની જાસૂસી પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણી અને આતંકવાદી સંગઠનો સાથે તેમનું જોડાણ છે.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં તાજેતરમાં ઇસ્લામાબાદમાં બે ભારતીય અધિકારીઓના અપહરણ અને તેમની સાથે કરવામાં આવેલી 'બર્બરતાપૂર્ણ વર્તન'નો ઉલ્લેખ કર્યો છે. મંત્રાલયે કહ્યું, "પાકિસ્તાન અને તેના અધિકારીઓનું વર્તન વિએના સંધિ અને રાજદ્વારી અધિકારીઓ અને દૂતાવાસી અધિકારીઓ સાથેના વ્યવહારને લગતા દ્વિપક્ષીય કરાર સાથે સુસંગત નથી."
મંત્રાલયે કહ્યું કે, આ કારણોસર ભારતે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઇ કમિશનમાં કર્મચારીઓની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. મંત્રાલયે કહ્યું, 'ભારત તેના બદલે સમાન પ્રમાણમાં ઇસ્લામાબાદમાં તેની હાજરી ઘટાડશે. 7 દિવસમાં લાગુ કરવામાં આવનાર આ નિર્ણયને પાકિસ્તાનના ડેપ્યુટી હાઈ કમિશનરને પહોંચાડવામાં આવ્યો છે.