નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ તાજેતરમાં કેબિનેટની બેઠકમાં નિવેદન આપ્યું હતું કે, પ્રધાનો ભડકાઉ નિવેદન ન આપે. તેમજ વડાપ્રધાન મોદીએ શાંતિ જાળવવા માટે અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ જજોની બંધારણીય બેન્ચ સુનાવણી કરી હતી. જે છઠ્ઠી ઑગસ્ટથી દરરોજ સુનાવણી થઈ હતી, જે 16મી ઑક્ટોબરે પૂર્ણ થઈ હતી.
તેમજ ગૃહમંત્રાલયના સૂત્રો પ્રમાણે, અયોધ્યા ચૂકાદાને લઈને કેન્દ્રએ બધા રાજ્યોએ એડવાઈઝરી જાહેર કરી છે. બધા રાજ્યોને એલર્ટ પર રહેવાના આદેશ આપ્યા છે.
અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટ શનિવારના રોજ એટલે કે આવતીકાલે 10:30 કલાકે નિર્ણય સંભળાવશે. અયોધ્યામાં કલમ 144ને લાગુ કરવામાં આવી છે. આ સાથે જ સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ અયોધ્યામાં અર્ધલશ્કરી દળના 4000 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
સુરક્ષા-વ્યવસ્થાને ધ્યાનમાં રાખી ઉત્તર પ્રદેશને હાઈઍલર્ટ કરી દેવાયું છે, તેમાં પણ ખાસ કરીને અયોધ્યામાં મોટી સંખ્યામાં સેનાના જવાનો અને પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. આ સાથે જ દેશના તમામ રાજ્યોમાં વિશેષ સુરક્ષા-વ્યવસ્થાના નિર્દેશ કરાયા છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં પણ રાજ્યના પોલીસ વડા દ્વારા તમામ મહાનગરો અને શહેરો સહિત સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાનો નિર્ણય કર્યો છે.