- મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે દશેરાએ રેલી સંબોધી
- ભાજપ અને કંગના રણૌતને ઠાકરેએ લીધા આડેહાથ
- કંગના રણૌત તો રાવણની ઓલાદ છેઃ ઉદ્ધવ ઠાકરે
- બિહારની જનતા આંખ ખોલીને મતદાન કરેઃ ઠાકરે
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાની દશેરા રેલી સંબોધી હતી. અહીં તેમણે વિપક્ષની પાર્ટીઓને પણ આડેહાથે લીધી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, હવે લગભગ એક વર્ષ થઈ ચૂક્યું છે. જે દિવસથી મુખ્યપ્રધાન બન્યો છું. ત્યારથી એવું કહેવામાં આવે છે કે રાજ્યની સરકાર પડી જશે. હું પડકાર આપું છું કે, જો તમારામાં હિમ્મત હોય તો અમારી સરકાર પાડીને બતાવો. ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું, હિન્દુત્વને લઈને અમારા પર સવાલો ઉઠાવવામાં આવે છે કે અમે મહારાષ્ટ્રમાં મંદિરો કેમ નથી ખોલી રહ્યા. તેઓ કહે છે કે મારું હિન્દુત્વ બાલાસાહેબના હિન્દુત્વથી અલગ છે. તમારું હિન્દુત્વ ઘંટડી અને વાસણ વગાડવા સાથે સંબંધિત છે, અમારું હિન્દુત્વ આવું નથી.
'સંઘમુક્ત ભારત કહેનારા નીતિશ ચાલશે પણ અમે નહીં'
ઉદ્ધવ ઠાકરેએ પોતાના ભાષણમાં બિહાર ચૂંટણીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, તમે બિહારમાં મફત વેક્સીન આપવાની વાત કરી રહ્યા છો, શું દેશના બાકી રાજ્યો પાકિસ્તાન અને બાંગ્લાદેશ છે? જે આવી વાત કરે છે, તેમને પોતાના પર શરમ આવી જોઈએ કે નહીં? અમે કહ્યું હતું કે ભાગવતજીને રાષ્ટ્રપતિ બનાવો. આ અમારી માગ હતી, પરંતુ તમે ના સાંભળ્યું. સંઘ મુક્ત ભારત કહેનારા નીતિશકુમારને તમે ચલાવી લો છો, પરંતુ અમે નહીં. સંઘ મુક્ત ભારત કહેનારા નીતિશ બિનસાંપ્રદાયિક થઈ ગયા?
ઠાકરેએ કંગના રણૌતને પણ લીધી આડેહાથ
ઉદ્ધવ ઠાકરેએ અભિનેત્રી કંગના રણૌત પર પણ નિશાન સાધતા કહ્યું, મુંબઈને પીઓકે કહી રહી છે. ઘરમાં ખાવા નથી મળતું એટલે મુંબઈ આવે છે. આ રાવણની ઓલાદ છે. મહારાષ્ટ્રની બદનામી કરવામાં આવી રહી છે. મુંબઈની પોલીસ નકામી છે, અહીં ચરસ ગાંજાની ખેતી થાય છે આવું કહીને મહારાષ્ટ્રને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અહીં દરેક ઘરમાં તુલસીનો છોડ છે.
બિહારમાં સમજી વિચારીને મતદાન કરવા ઠાકરેની અપીલ
ઉદ્ધવ ઠાકરેએ સુશાંતસિંહ રાજપૂતના મોતનો પણ ઉલ્લેખ કરતા કહ્યું, સુશાંતને બિહારનો પુત્ર કરી રહ્યા હતા, પરંતુ મહારાષ્ટ્રના પુત્રનું અપમાન કરી રહ્યા છે. મુંબઈ પોલીસ સત્યની તપાસ કરી શકતી હતી, પરંતુ મોઢામાં ગોબર અને ગૌમૂત્ર ભરી ભરીને મહારાષ્ટ્ર અને આદિત્ય સામે બોલવામાં આવી રહ્યું હતું. બદનામી કરી પણ અમારા હાથ સાફ છે. બિહારની જનતાને અમારી અપીલ છે કે, આંખ ખોલીને મતદાન કરજો. આ તમામ લોકોના દાવપેચમાં ન આવતા. કોને મતદાન કરજો તે નહીં કહું, પરંતુ વિચારીને મત આપજો એટલું કહીશ.