સુરત: શહેરના SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ) એ લાલગેટ વિસ્તારમાંથી બોગસ દસ્તાવેજો સાથે એક બાંગ્લાદેશી યુવકની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર 27 વર્ષીય આરોપી યુસુફ સરદાર છેલ્લા દોઢ વર્ષથી સુરતની ઝૂપડપટ્ટીમાં રહીને મજૂરી કામ કરતો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, આરોપીએ બાંગ્લાદેશના એજન્ટને 1000 ટાકા આપીને સાતખીરા બોર્ડર મારફતે પશ્ચિમ બંગાળના બાંગઓનમાંથી ભારતમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો.
બાતમીના આધારે SOG એ લાલગેટ પાલીયા ગ્રાઉન્ડની ઝુપડપટ્ટીમાં દરોડો પાડ્યો હતો. આરોપી વિશે મળતી માહિતી અનુસાર તે મૂળ બાંગ્લાદેશના નરાઈલ જિલ્લાના વિષ્ણુપુર ગામનો વતની છે. તેની પાસેથી બાંગ્લાદેશના પાસપોર્ટની ઝેરોક્સ, બોગસ ભારતીય ચૂંટણીકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, આધાર કાર્ડ અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.
SOG પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તે હાવડા રેલવે સ્ટેશનથી ટ્રેન મારફતે સુરત આવ્યો હતો અને અહીં ઝુપડપટ્ટીમાં ભાડે રહીને મજૂરી કરતો હતો. આરોપી વિરુદ્ધ લાલગેટ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 336(2), 336(3), 338, 340, પાસપોર્ટ અધિનિયમ અને ફોરેનર્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. SOG હવે સુરતમાં રહેતા અન્ય ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોની શોધખોળ કરી રહી છે.
આ પણ વાંચો: