ખેડાઃ ડાકોર ટેમ્પલમાં અવારનવાર વિવાદો ચાલતા રહ્યા છે. અગાઉ જ વીવીઆઈપી દર્શનના લઈને વિવાદ થયો હતો. તે પછી આસપાસની સ્વચ્છતાને લઈને અને હવે મકરસંક્રાંતિને લઈને ચાલતી પરંપરાને લઈને પણ વિવાદ ઊભો થયો છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની ટેમ્પલ કમિટી
મંદિરનું સંચાલન મનસ્વી નિર્ણયોને લઈ ફરીથી વિવાદમાં આવ્યું છે. રણછોડરાયજી મંદિર ખાતે પ્રતિ વર્ષ ઉત્તરાયણ પર્વ પર પાંચ ગાયનું દાન કરવામાં આવે છે. જોકે આ વર્ષે મકર સંક્રાંતિના દિવસે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ગાયોનું દાન કરવામાં આવ્યું નથી. ત્યારે ટેમ્પલ કમિટીના નિર્ણયને લઈ મંદિરની વર્ષો જૂની પરંપરા તૂટી છે.

ભારતીય સંસ્કૃતિમાં મકરસંક્રાંતિના પર્વે દાનનું ખૂબ મોટું મહત્વ રહેલું છે. મકરસંક્રાંતિ પર્વે લોકો યથાશક્તિ દાન કરતા હોય છે. ડાકોર મંદિરમાં પણ પરંપરા મુજબ પ્રતિ વર્ષ આ દિવસે પાંચ ગાયોનું કરવામાં આવે છે.
મકરસંક્રાંતિએ પાંચ ગાયોનું દાન કરવાની મંદિરની પરંપરા
ડાકોર રણછોડરાયજી મંદિર તરફથી પ્રતિ વર્ષ મકરસંક્રાંતિએ પાંચ ગાયોનું દાન કરવાની પરંપરા છે. જે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ મંદિર તરફથી જરૂરિયાતમંદ પાંચ પશુપાલક પરિવારને વાછરડા સાથે પાંચ ગાયોનું દાન કરવામાં આવે છે. જોકે મંદિરની આ વર્ષો જૂની પરંપરા ડાકોર ટેમ્પલ કમિટીના નિર્ણયને લઈ આ વર્ષે તૂટી છે.

ગાયોના પાલન પોષણની બાબત ધ્યાને લઈ ટેમ્પલ કમિટી દ્વારા લેવાયો નિર્ણય
આ બાબતે ડાકોર મંદિરના મેનેજર જગદીશ દવેનો અનેક વખત સંપર્ક કરવાનો પ્રયત્ન કરવા છતાં તેમનો ફોન નો આન્સર રહ્યો હતો, પરંતુ પ્રાપ્ત વિગતો મુજબ ઘણી વખતે ગાયોને લઈ જતી વખતે કષ્ટ પડતું હોય છે. નવી જગ્યાએ ગાયને લઈ જતાં તે દસેક દિવસો સુધી ખાતી પણ નહોતી અને કેટલીક વાર ગાયનું મોત થવાના પણ કિસ્સા બન્યા છે. ઉપરાંત મંદિર તરફથી જે રીતે ગાયોનું પાલન પોષણ થાય છે તે રીતે ત્યાં ન પણ થઈ શકે. જે બધી બાબતે ધ્યાનમાં રાખી ટેમ્પલ કમિટી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી છે.
નિર્ણયને કારણે મંદિરની પરંપરા તૂટી: પૂજારી
આ બાબતે મંદિરના પૂજારી આશિષભાઈ સેવકે જણાવ્યું હતું કે, ડાકોર મંદિરની વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે પાંચ ગાયોનું જરૂરિયાતમંદ પરિવારોને દાન કરવામાં આવતું હતું, પરંતુ આ વર્ષે મંદિર પ્રશાસન દ્વારા ગાયોના પાલન પોષણનું બહાનું આગળ ધરી આ દાન બંધ કરવામાં આવ્યું છે. ટેમ્પલ કમિટી દ્વારા આ નિર્ણયને લઈ મંદિરની વર્ષો જૂની પરંપરા પરંપરા તોડવામાં આવી છે.