જામનગર: ગુજરાત સહિત દેશભરમાં સાયબર ફ્રોડની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાંથી વધુ એક સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે. જામનગરમાં 1.81 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવવામાં આવી છે. શેર બજારમાં રોકાણમાં મોટા નફાની લાલચ આપી ઠગાઈનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપીઓએ એપ મારફતે ઠગાઈ કર્યોનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
શેર માર્કેટ અને ફોરેન કરન્સીમાં મોટા રિટર્નની લાલચ આપી
વિગતો મુજબ, જામનગરમાં સિધ્ધનાથ સોસાયટી નજીક દ્વારકેશ કોમ્પલેક્ષમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા ગજેન્દ્રગીરી હરનામગીરી ગોસ્વામીને વોટ્સએપ પર કોલ આવ્યો હતો. જે દરમિયાન તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી જતીન વર્મા નામધારી એક શખ્સના સંપર્કમાં આવ્યા હતા. આ કોલમાં તેમને ઓનલાઈન શેર માર્કેટમાં તથા ફોરેન કરન્સીમાં રોકાણ અંગે વાત કરવામાં આવી હતી. આ બાદ તેને વિવિધ વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરાવવામાં આવ્યા હતા અને તેમની પાસે ફોનમાં CAUSEWAY નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી અને તેમાં વર્ચ્યુઅલ ઈન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગ કરાવાતું હતું. ઓનલાઈન ટ્રેડિંગની જેમ ફેક એપ્લિકેશનના માધ્યમથી ટ્રેડિંગ કરાવવામાં આવતું હતું.
ફેક એપ ડાઉનલોડ કરાવી ખાતામાં 11 કરોડ બતાવ્યા
આરોપીઓ દ્વારા નિવૃત્ત માર્મીમેન પાસેથી 1 કરોડ 81 લાખનું ધીમે ધીમે કરીને રોકાણ કરાવાયું હતું. આ વર્ચ્યુઅલ CAUSEWAY નામની એપમાં તેમનું 11 કરોડ રૂપિયાનું રિટર્ન બતાવવામાં આવતું હતું. પરંતુ પૈસા કાઢવાનો પ્રયાસ કરવા જતા ફેક એપ્લિકેશન હોવાથી કોઈપણ પ્રકારનું ટ્રાન્જેક્શન થઈ શક્યું નહોતું. આથી તેમણે તમામ વોટ્સએપ ગ્રુપમાં પણ ફોન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે લાગતો નહોતો. બાદમાં તેમને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા નિવૃત્ત આર્મીમેને જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
લોભામણા કૌભાંડથી રહો સાવધાન
- કોઈપણ શંકાસ્પદ ફોન લાગે તો તરત કટ કરી દો.
- અજાણ્યો કોલ પર કોઈ પણ અંગત માહિત શેર ન કરો.
- બેન્ક ડિટેઈલ કે અન્ય માહિતી કોઈને પણ ઓનલાઈન ન આપો.
- વ્યક્તિગત કે નાણાકીય વિગતો ક્યારેય શેર ન કરવી
- શંકાસ્પદ ફોન આવે તો તરત પરિવારને સભ્યને જાણ કરો
- ડરાવતા કે ધમકાવતા કોલ મામલે તરત નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરો
આ પણ વાંચો: