નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટે સરકારી કર્મચારીઓ માટે 8મા કેન્દ્રીય પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. કમિશન 2026 સુધીમાં તેનો રિપોર્ટ આપશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે આની જાહેરાત કરી હતી. 8મા પગાર પંચના અમલ સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં વધારો થવાની આશા છે.
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, 8મા પગાર પંચની રચના કરવાનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે અગાઉ 2014માં સરકારે 7મા પગાર પંચની રચના કરી હતી. તેનો કાર્યકાળ 2026માં સમાપ્ત થશે. 7મા પગાર પંચનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં સુધારો કરવા માટે 8મા પગાર પંચની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
#WATCH | Delhi: Union Minister Ashwini Vaishnaw says, " prime minister has approved the 8th central pay commission for all employees of central government..." pic.twitter.com/lrVUD25hFu
— ANI (@ANI) January 16, 2025
પગાર પંચ શું છે?
પગાર પંચ એ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલ સંસ્થા છે. આ કમિશન કર્મચારીઓના પગાર માળખાની સમીક્ષા કરે છે અને તેમાં ફેરફારની ભલામણ કરે છે. આ પેનલ કર્મચારીઓના બોનસ, ભથ્થા અને અન્ય લાભોની પણ સમીક્ષા કરે છે. તે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો તેમજ સંરક્ષણ દળો માટે પણ ફેરફારોની ભલામણ કરે છે.
પગાર પંચ કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં સુધારો કરે છે, અને તેના નિર્ણયો લાખો લોકોને અસર કરે છે. પગારના માળખાની સમીક્ષા કરતી વખતે, પગાર પંચ પ્રવર્તમાન આર્થિક સ્થિતિ, ફુગાવો, સરકારની નાણાકીય સ્થિતિ અને અન્ય ઘણા પરિબળોને ધ્યાનમાં લે છે. સરકાર ઈચ્છે તો ભલામણો સ્વીકારી શકે છે અને તેને નકારવાનું પણ પસંદ કરી શકે છે.
પગાર પંચની રચના કેટલા વર્ષ માટે થાય છે?
સામાન્ય રીતે દર 10 વર્ષે પગાર પંચની રચના કરવામાં આવે છે, અને પ્રથમ પગાર પંચ 1946માં સ્થપાયું હતું. આઝાદી પછી કુલ સાત પગાર પંચની રચના કરવામાં આવી છે. સૌથી તાજેતરના પગાર પંચની સ્થાપના 2014 માં કરવામાં આવી હતી અને તેની ભલામણો 2016 માં અમલમાં આવી હતી. હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને 7મા પગાર પંચની ભલામણોના આધારે પગાર મળે છે.