ભોપાલ: વર્ષ 2017 પછીથી મધ્યપ્રદેશમાં કોઈ પોલીસ ભરતી થઈ નથી. રાજ્યના ઘણા વિદ્યાર્થીઓ લાંબા સમયથી પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છે. તાજેતરમાં જ ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ પણ જાહેરાત કરી હતી કે, ટૂંક સમયમાં રાજ્યમાં પોલીસ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પરંતુ આજ સુધી આ માટે કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી. રક્ષાબંધનના તહેવાર પર આજે ઘણા વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યા છે.
જેમાં છોકરીઓ રડીને, મુખ્યપ્રધાન શિવરાજને પોલીસ ભરતી પ્રક્રિયા શરૂ કરવા અને જાહેરનામું બહાર પાડવાની માગ કરી રહી છે. દરેક વિદ્યાર્થીઓ મુખ્યપ્રધાનને વીડિયોમાં એ પણ કહેતા જોવા મળે છે કે, કાં તો પોલીસ ભરતી થવી જોઈએ અથવા તેમને આત્મહત્યા કરવાની છૂટ આપવામાં આવે.
લાંબા સમયથી મધ્યપ્રદેશમાં પોલીસ ભરતી થઈ નથી. સરકારે તાજેતરમાં જાહેરાત કરી હતી કે, ચાર હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. પરંતુ આજ સુધી આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી. વિદ્યાર્થીઓએ સરકાર પાસે માગ કરી છે કે, ચાર હજારને બદલે 15 હજાર પોસ્ટ પર ભરતી કરવામાં આવે. તેમજ અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને પાંચ ટકા નિમણૂક આપવી જોઇએ અને ભરતી પ્રક્રિયામાં સમાવિષ્ટ કરવાની વયમર્યાદા 35 વર્ષથી વધારીને 37 વર્ષ કરવા અપીલ કરી છે.