નવી દિલ્હી: ICICI બેંકની પૂર્વ CEO ચંદા કોચરના પતિ દિપક કોચરની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મળતી માહીતી મુજબ, દીપક કોચરની મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. દીપક કોચરની ICICI બેંક અને વિડીયોકોન કેસમાં ધરપકડ કરાઇ છે.
દીપક કોચરની ED દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછ વિડીયોકોન અને બેંકથી જોડાયેલી એક ડીલમાં મની લોન્ડ્રિંગના આરોપ પર કરવામાં આવી હતી. પૂછપરછ બાદ દીપક કોચરની ધરપકડ કરવામાં આવી હતી.
ગયા વર્ષે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED) એ ICICI બેંકના ચંદા કોચર અને તેના પતિ દીપક કોચર, વીડિયોકોન ગ્રુપના વેણુગોપાલ ધૂત અને અન્ય વિરુદ્ધ ICICI બેંક દ્વારા વીડિયોકોન ગ્રુપને રૂપિયા 1875 કરોડની લોન આપવાની મંજૂરી આપવામાં આવી હતી. આ કેસમાં કથિત ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારની તપાસ માટે પીએમએલએ હેઠળ ગુનાહિત કેસ નોંધવામાં આવ્યો હતો.
ICICI – વિડીયોકોન કેસમાં બેંકની પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ચંદા કોચરના પતિની ધરપકડ કરવામાં આવી છે. ઈડી ICICI બેંક દ્વારા વિડીયોકોન ગ્રુપને આપવામાં આવેલી લોન મામલે થયેલી અનિયમિતતાઓ અને મની લોન્ડ્રિંગ મામલે ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર અને અનેકની વિરુદ્ધ તપાસ કરી રહી હતી. કેટલાક દિવસ પહેલા જ દૂત સહિત ચંદા કોચર અને તેમના પતિની વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. ચંદા કોચરના દિયરની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે CBIની ફરિયાદના આધારે કાર્યવાહી કરી છે. CBIએ આ મામલે ચંદા કોચર, દીપક કોચર અને ધૂતની કંપનીઓ- વિડીયોકોન ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને વિડીયોકોન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
અગાઉ જાન્યુઆરી મહિનામાં ઈડીએ ચંદા કોચર અને તેમના પરિવારની સંપત્તિને જપ્ત કરી હતી. ઈડીએ કુલ 78 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. જેમાં મુંબઈમાં એક ફ્લેટ અને ચંદાના પતિની કંપનીની પ્રોપર્ટી સામેલ હતી.