ન્યૂઝડેસ્ક : જેમ જેમ કોરોના વાઈરસના પોઝીટીવ કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે તેમ તેમ દુનિયાભરની હોસ્પીટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. કેટલાક દર્દીઓ એવા પણ છે જેઓમાં કોરોના વાયરસના ઓછા લક્ષણો દેખાય છે અને તેઓ પોતાના ઘરે જ કાળજી લઈને સ્વસ્થ થઈ શકે છે. તેમ છતા જોખમી પરીસ્થીતિમાંથી પસાર થઈ રહેલા દર્દીઓ, વૃદ્ધો અથવા કોઈ પણ ઉંમરના એવા લોકો કે જેઓ હ્રદય, ફેફસા કે લીવરની બીમારી ધરાવે છે અને કોરોના થી સંક્રમીત થયા છે તેમણે કોરોનાના લક્ષણો દેખાતાની સાથે જ હેલ્થ કેર પ્રોવાઇડરનો સંપર્ક કરવો જોઈએ.
Covid-19ના લક્ષણો ધરાવતી વ્યક્તિની દેખરેખ રાખવી એ એક પડકાર સમાન છે.
આવા દર્દીની સારવાર કરતી વખતે તમે નીચેના પગલાને અનુસરવા આવશ્યક છે:
· કોરોના વાઈરસથી સંક્રમીત થયેલી વ્યક્તિની સારવાર માટેનું પહેલુ પગલુ એ છે કે તેને આઇસોલેટ કરી દો.
· આવા વ્યક્તિ માટે હવાઉજાશ વાળા ઓરડાની વ્યવસ્થા કરવી જોઈએ.
· ઘરના અન્ય વ્યક્તિઓએ સંક્રમત વ્યક્તિથી અંતર જાળવવુ જોઈએ. જો એમ કરવુ શક્ય ન હોય તો તે વ્યક્તિથી એક મીટરનું અંતર રાખો અને તેના માટે અલગ પથારીની વ્યવસ્થા કરો.
· માત્ર ઘરના એક જ સભ્યએ દર્દીની કાળજી રાખવાની જવાબદારી લેવી જોઈએ, અન્ય લોકોએ દર્દીની મુલાકાત લેવાનુ ટાળવુ જોઈએ.
· જે વ્યક્તિ દર્દીની સંભાળ રાખી રહ્યો છે તેના માટે એ ખુબ મહત્વનું છે કે તે સ્વચ્છતા જાળવે. સંક્રમીત વ્યક્તિની મુલાકાત બાદ દરેક વખતે પોતાના હાથ ધોવા આવશ્યક છે.
· સાબુ અને પાણી વડે હાથ ધોયા બાદ હાથને સુકવવા માટે પેપર નેપકીનનો ઉપયોગ કરવો હિતાવહ છે. WHO કહે છે કે દર્દી અને તેની સંભાળ રાખનાર બંન્નેએ મેડીકલ માસ્ક પહેરવુ જોઈએ.
· સંક્રમીત વ્યક્તિએ પોતાની થાળી, વાસણો, ટોવેલ અને પથારી ઘરની અન્ય વસ્તુઓથી અલગ રાખવી જોઈએ. આ દરેક વસ્તુને સાબુ અને પાણી વડે સારી રીતે સાફ કરવી જોઈએ.
· WHOના કહેવા પ્રમાણે સ્તનપાન કરાવતી માતા જો વાયરસથી સંક્રમીત થાય છે તો પણ તે બાળકને સ્તનપાન કરાવી શકે છે પરંતુ બાળકની નજીક જતી વખતે માસ્ક પહેરવુ જોઈએ.
· જો સંક્રમીત વ્યક્તિ કોઈ વસ્તુ કે સપાટીને અડકે છે તો તે સપાટીને સારી રીતે સાફ કરીને તેને જંતુરહિત કરવી જોઈએ.
દર્દીએ પુરતો આરામ કરવો ખુબ આવશ્યક છે. આ ઉપરાંત કોરોના વાયરસથી સંક્રમીત થયેલી વ્યક્તિએ પોષણયુક્ત આહાર અને વધુ માત્રામાં પ્રવાહી લેવુ જોઈએ.
અને હા, વાયરસના લક્ષણોનું સતત નિરિક્ષણ કરવુ ખુબ આવશ્યક છે. કેટલાક લોકોને વાયરસની હળવી અસરો થાય છે પરંતુ કેટલાક દર્દીઓમાં તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. જો કોઈ દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તાત્કાલીક મેડીકલ સર્વીસની મદદ લેવી જોઈએ.