ગ્રાહકો અને વેપારીઓને મોટી રાહત આપતા આરબીઆઇએ તમામ કોમર્સિયલ અને કો-ઓપરેટિવ બેંકો તથા તમામ ભારતીય નાણાંકીય સંસ્થાઓ, નોન બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પાસેથી લીધેલી ટર્મ લોન 1 માર્ચથી અમલમાં આવે એ રીતે સ્થગિત કરી દીધી હતી. આ નિર્ણયથી હાલની કટોકટીભરી પરિસ્થિતિમાં પોતાની આવક અંગે તદ્દન અનિશ્ચતાનો સામનો કરી રહેલા લોન ધારકોની માનસિક ચિંતામાં ઘટાડો થશે અને તેઓને ઘણી મોટી રાહત મળશે. જો કે લોન સ્થગિત કરવાના આ સમયગાળા દરમ્યાનનું વ્યાજ તો જરૂર લાગશે પરંતુ હપ્તો નહીં ભરવાને કારણે તેઓને કોઇ દંડ ભરવો પડશે નહીં. યાદ રહે કે આ કોઇ હપ્તાને રદ કરવાનો નિર્ણય નથી પરંતુ ફક્ત હપ્તાને પાછો ઠેલાયો છે. લેણદાર સંસ્થાઓ આ સમયગાળા દરમ્યાન તમારા હપ્તાની માંગણી કરશે નહીં.
આ નિર્ણયનો કેવી રીતે અમલ કરાશે તે અંગેની ચોખ્ખી સ્પષ્ટતા માટે લોનધારકે પોતાની બેંક કે નાણાંકીય સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે. જો તમે હપ્તો ભરી શકો તેમ હોય અને તમારી લેણદાર નાણાંકીય સંસ્થા તમને હપ્તો ભરવાની મંજૂરી આપે તો તમારી લોનની રકમમાં ઘટાડો કરવા માટે તમારે હપ્તો ભરી દેવાની પણ સલાહ આપવામાં આવે છે.
ક્રેડિટ સ્કોર ઉપર શું અસર પડશે?:-
દાસે સ્પષ્ટતા કરી હતી કે આ સમયગાળા માટે તમારા ક્રેડિટ સ્કોર ઉપર કોઇ અસર પડશે નહીં જો કે તેમ છતાં દરેક નાગરિકને પોતાનો ક્રેડિટ સ્કોર દર મહિને ચેક કરતા રહેવાની સલાહ આપવામાં આવે છે. અન્ય કોઇપણ પ્રકારના ધિરાણની વસુલાતને સ્થગિત કરાઇ નથી જેથી ધિરાણ લેનારે સંમત થયેલા કરાર મુજબ જે તે ધિરાણના હપ્તા સમયસર ભરી દેવાના રહેશે.
ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ ભરવાનું ચાલુ રાખશો:-
ફક્ત ટર્મલોનના હપ્તા જ સ્થગિત કરાયા છે. ક્રેડિટ કાર્ડના પેમેન્ટને સ્થગિત કરાયા નથી તેથી ક્રેડિટ કાર્ડ ધારકોએ તેઓની બાકી રકમ ચૂકવવાનું ચાલું રાખવું પડશે. ક્રેડિટ કાર્ડ દ્વારા કરાયેલું દેવું ખુબ જ મોંઘું પડતું હોય છે. નહી ચૂકવાયેલી રકમ ઉપરનું વ્યાજ ખુબ જ ઝડપથી વધતું જાય છે જે આગળ જતાં એક બોજો બની જાય છે અને તમારા ક્રેડિટ સ્કોરને પણ ઘટાડે છે. તેથી જો તમે ક્રેડિટ કાર્ડના બાકી પડતા નાણાં સમયસર ભરી શકતા હોય તો તમારે તે ભરી દેવા જોઇએ.
રેપો રેટના ઘટાડાના કારણે છૂટક લોન ઉપર પણ અસર પડશે:-
આ આજના દિવસની સૌથી મોટી જાહેરાત હતી. રેપો રેટને 75 બેઝઇસ પોઇન્ટ ઘટાડીને 4.40 ટકા કરી દેવાયો છે જે છેલ્લા એક દાયકાનો સૌથી નીચો દર છે. આ નિર્ણયના કારણે રેપો રેટની સાથે સીધેસીધા સંકળાયેલા વ્યાજદરની ઉપર સીધી અસર પડશે. દૃષ્ટાંત તરીકે એસબીઆઇ હાલ 7.80 ટકના એક્ષટર્નલ બેન્ચમાર્ક રેટ (ઇબીઆર)થી હોમ લોન આપે છે અને તેનો આ ઇબીઆર રેપો રેટ સાથે સીધેસીધો સંકળાયેલો છે. હવે તેને નવો વ્યાજદર ફરીથી સેટ કરવો પડશે જે ઘટીને 7.05 ટકા થઇ જશે જેના કારણે તેનો લોનનો વ્યાજદર પણ ઘટી જશે. જો કે આ નિર્ણયથી લોન ધારકોને વ્યાજ ઘટાડાનો લાભ મળશે. એમસીએલઆર સાથે સંકળાયેલા દરોમાં હજુ સુધી કોઇ ઘટાડો જોવા મળ્યો નથી. એવી આશા રખાઇ રહી છે કે વિવિધ બેંકો આગામી દિવસોમાં વ્યાજદરમાં ઘટાડો જાહેર કરશે.
ડિપોઝીટ અને નાની બચતોનું વ્યાજ ઘટશે; ડેટ ફંડોને ફાયદો થશે
રેપો રેટમાં ઘટાડો થવાથી સેવિંગ્સ એકાઉન્ટ, ફિક્સ ડિપોઝીટ, રિકરિંગ ડિપોઝીટ અને નાની બચત યોજનાઓ ઉપર હાલ મળતા વ્યાજમાં પણ ઘટાડો થશે. જો કે તમારા વ્યાજનો દર કેટલો ઘટ્યો છે તે અંગે તમારી બેંકો દ્વારા જે માહિતી અપાય તેને અનુસરવી પડશે. એવું પણ માનવામાં આવે છએ કે સરકાર પીપીએફ જેવી યોજનાઓ ઉપર હાલ મળતા વ્યાજના દરમાં પણ ઘટાડો કરી શકે છે. જો કે તે અંગે હાલ કોઇ જાણકારી પ્રાપ્ત થતી નથી. રેપો રેટમાં ઘટાડો થવાથી લાંબી મુદતના ડેટ ફંડોને લાભ થશે. વ્યાજનો દર ઘટવાથી બોન્ડની કિંમતો વધશે અને તેમ થવાથી બોન્ડની એનએવી પણ ઉપર જશે. શેર બજારનું ભાવિ નિશ્ચિત હોતું નથી તેથી નાના રોકાણકારોને જોખમ ઘટાડવા એસઆઇપીનો વિકલ્પ પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે.
રિવર્સ રેપો રેટ, એસએલઆર અને સીઆરઆરમાં ઘટાડાથી પડનારી અસરો:-
ગ્રાહકો માટે વ્યાજદર નીચો લાવવાના આશયથી આરબીઆઇ દ્વારા કેટલાંક પગલાંની જાહેરાત કરાઇ હતી, જેથી કરીને આ કટોકટીના સમયમાં ગ્રાહકો ધિરાણ મેળવી શકે અને તેઓના ધિરાણનો હપ્તો અને વ્યાજની ચૂકવણી કરી શકે. રેપો રેટમાં 75 બેઝીસ પોઇન્ટનો ઘટાડો કરવા ઉપરાંત આરબીઆઇએ રિવર્સ રેપો રેટમાં પણ 90 બેઝિસ પોઇન્ટનો ઘટાડો જાહેર કર્યો હતો. યાદ રહે કે બેંકો જે દરે રિઝર્વ બેંકમાં પોતાની મૂડી જમા રાખે છે તેના ઉપર આરબીઆઇ તરફથી મળતા વ્યાજદરને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. આજના ઘટાડા બાદ રિવર્સ રેપો રેટ ઘટીને 4 ટકા થઇ જતાં બેંકો માટે પોતાની વધારાની મૂડી રિઝર્વ બેંક પાસે મૂકી રાખવા માટે કોઇ આકર્ષણ રહેશે નહીં તેથી તેઓ તે મૂડીનો ધિરાણ માટે ઉપયોગ કરી શકે છે.
રિઝર્વ બેંકે તમામ બેંકો માટે કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) પણ 100 બેઝિસ પોઇન્ટ ઘટાડી 3 ટકા કરી દીધો હતો, તે ઉપરાંત પ્રવર્તમાન 90 ટકાના લઘુતમ દૈનિક સીઆરઆરના બેલેન્સને પણ ઘટાડીને 80 ટકા કરી દીધું હતું. આ તમામ નિર્ણયોની સમિક્ષા કરતાં ફલિત થાય છે કે આ પગલાંઓના કારણે દેશની નાણાંકીય સિસ્ટમમાં ખુબ મોટા પ્રમાણમાં નાણાં ઠલવાશે જેના કારણે ધિરાણ કરતી સંસ્થાઓ અત્યંત નીચા દરે લોકોને ધિરાણ કરી શકશે.
(bankbazaar.com દ્વારા ઈનાડુ અને ઈટીવી ભારતમાં પ્રકાશિત કરવા માટે)