નવી દિલ્હી: દિલ્હી હિંસાને લઇને બુધવારે લોકસભામાં ચર્ચા થઇ. ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું- દિલ્હી હિંસાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ થયો છે. તેમાં એક ધર્મ વિશેષને પણ જોડવાની કોશિષ કરવામાં આવી. જેવી રીતે આ ઘટનાને દેશમાં દૂર્ભાગ્યપૂર્ણ રીતે રજૂ કરવામાં આવી અને સદનમાં જેવી રીતે રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તેના પર હું મારી વાત રાખીશ. અધીરરંજને કહ્યું કે ચર્ચામાં વિલંબ કેમ ? 25 માર્ચના રાત્રે 11 વાગ્યા બાદ એક પણ હિંસાની ઘટના થઇ નથી. 2 માર્ચના સદન શરૂ થયું અને બીજા દિવસેજ અમે કહ્યું કે હોળી બાદ ચર્ચા કરીશું. તે એટલા માટે જેથી કોઇ વિવાદ ન ઉપજે. એવુ વાતાવરણ ન બને કે દેશની હોળી શાંતિપૂર્ણ ન હોય.
શાહે કહ્યું કે, હું એ નથી કહેવા માગતો કે હોળીના કારણે હિંસા થઇ. અમારો ઉદ્દેશ્ય શાંતિ રાખવાનો હતો. 11 તારીખે લોકસભા અને 12ના રાજ્યસભામાં ચર્ચાની વાત કહી હતી. પરંતુ સદન ચાલવા ન દીધું અને ચર્ચા ન થઇ શકી. અધીરરંજનજીએ કહ્યું કે ખૂનની હોળી હજુ ચાલી રહી છે. મેં પહેલા જ કહ્યું કે 25 ફેબ્રુઆરીની રાત્રે 11 વાગ્યા બાદ એક પણ હિંસાની ઘટના નથી થઇ.
જ્યારે હિંસાની વાત હોય, પોલીસ મેદાનમાં ઝઝુમી રહી હોય તે સમયે આપણને વાસ્તવિકતા સમજવી જોઇએ. દિલ્હીની જનસંખ્યા 1.70 કરોડ છે. જ્યાં હિંસા થઇ ત્યાંની આબાદી 20 લાખ છે.શાહે કહ્યું, 25 તારીખે 11 વાગ્યા બાદ એક પણ દંગાની ઘટના બની નથી. 27 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 700 એફઆઈઆર નોંધવામાં આવી છે. નરેન્દ્ર મોદી સરકાર હિંસામાં સામેલ કોઈપણ વ્યક્તિને છોડશે નહીં. દિલ્હીમાં હિંસા ફેલાવવા માટે 300થી વધારે લોકો ઉત્તરપ્રદેશની આવ્યા હતા. આ ષડયંત્ર હતું.
દિલ્હી હિંસા મામલે 153 હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. આર્મ્સ એક્ટ હેઠળ 49 મામલા નોંધવામાં આવ્યા છે. હિંસા માટે ફંડ આપનારા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પૂરતા પુરાવા બાદ જ ધરપકડ કરવામાં આવી રહી છે. કોઈપણ નિર્દોષને સજા નહીં આપવામાં આવે.
સોનિયા ગાંધીનું નામ લીધા વગર તેના પર નિશાન સાધતાં શાહે કહ્યું, એક પાર્ટીના અધ્યક્ષે દિલ્હીના રામલીલા મેદાનમાં નફરત ફેલાવતું નિવેદન આપ્યું હતું. તેમના નિવેદન બાદ દિલ્હીના શાહીનબાગમાં સીએએને લઈ વિરોધ પ્રદર્શનો થયા. 14 ડિસેમ્બરની રેલીમાં એક પાર્ટીના અધ્યક્ષે લોકોને કહ્યું કે ઘરની બહાર નીકળો અને 15 ડિસેમ્બરથી શાહીનબાગના ધરણા શરૂ થયા હતા.