નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન(IMA) અને ડૉકટરો સાથે વાત કરી હતી. ગૃહા પ્રધાને ડૉક્ટરોને પ્રતીકાત્મક વિરોધ ન કરવા માટે અપીલ કરી હતી. શાહે ડૉક્ટરોને ખાતરી આપી હતી કે, સરકાર તેમની સાથે છે. તબીબી કર્મચારીઓ પર થયેલા હુમલાઓનો વિરોધ કરવા પ્રતીકાત્મક પ્રદર્શન તરીકે બુધવારે ડૉકટરો મીણબત્તીઓ પ્રગટાવી રહ્યા છે.
આ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધન દ્વારા ભારતીય મેડિકલ એસોસિએશનના ડૉકટરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરવામાં આવી હતી. અમિત શાહે ડૉકટરોને સલામતીની ખાતરી આપી હતી. તેમના દ્વારા જાહેર કરાયેલા પ્રતીકાત્મક વિરોધ ન કરવાની અપીલ કરી હતી.
ડૉકટરો દેશના જુદા જુદા ભાગોમાં થઈ રહેલા તબીબી કર્મચારીઓ પરના હુમલાથી રોષે ભરાયા છે. આ સાથે કડક કેન્દ્રીય વિશેષ કાયદો બનાવવાની માંગ કરી હતી. IMA દ્વારા ઘણા સમયથી ડૉક્ટરો પર હુમલો કરનારા લોકો સામે કેન્દ્રીય કાયદો ઘડવાની માંગ કરવામાં આવી રહી છે.
2019માં આરોગ્ય મંત્રાલયે આ બાબતે ડ્રાફ્ટ રજૂ કર્યો હતો. જેમાં ડૉક્ટરો પર હુમલો કરવા બદલ આરોપીને 10 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયાનો દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ ખરડાને કાયદા અને નાણા મંત્રાલયે મંજૂરી આપી હતી, પરંતુ ગૃહ મંત્રાલયમાં આ ખરડો અટક્યો છે. નાણા મંત્રાલય દલીલ કરી હતી કે, આ બાબતે અલગ કાયદો બનાવી શકાતો નથી.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસ સામેની લડતમાં દેવદૂત બની સતત ફરજ બજાવનારા ડૉકટરોને હવે બ્લેક ડેની ઉજવણી કરવાની ફરજ પડી છે. એક તરફ લોકોના જીવ બચાવવા ડૉકટરો રાત-દિવસ કામ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ આરોગ્ય કર્મચારીઓ પરના હુમલા ઘટવાનું નામ નથી લઈ રહ્યા. તેને ધ્યાનમાં રાખીને દેશના લાખો ડૉક્ટરોએ બુધવારે બ્લેક ડેની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે.
IMA એટલે કે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને દેશભરના ડૉકટરો પર થયેલા હુમલાના વિરોધમાં આ જાહેરાત કરી છે. IMAએ વ્હાઇટ એલર્ટ જારી કરીને તમામ ડૉકટરો અને હોસ્પિટલોને બુધવારે રાત્રે 9 વાગ્યે મીણબત્તીઓ સળગાવીને વિરોધ કરવા જણાવ્યું છે.