લોકસભા ચૂંટણી 2019માં ઉત્તર પ્રદેશની લખનઉ સીટ પર જંગ રસપ્રદ થતો જાય છે. BJP 2014 ના મેજીકનું પુનરાવર્તન કરવા માંગે છે. 2014 માં BJP એ પોતાના એકલા દમ પર 71 બેઠક જીતી હતી. આમ તો ભાજપ અનેક બેઠક પર મજબૂત છે, પરંતુ એક લોકસભા બેઠક એવી પણ છે જ્યા છેલ્લા 28 વર્ષથી ભાજપનું એકહથ્થું શાસન છે અને તે છે લખનઉ લોકસભા. ગોરખપુર, વારાણસી, બુલંદશહેર લોકસભા પણ ભાજપનો ગઢ માનવામાં આવે છે.
લખનઉ સીટ પર ઉમેદવાર
ભાજપમાંથી રાજનાથ સિંહ, કોંગ્રેસમાંથી આચાર્ય પ્રમોદ કૃષ્ણમ, સપામાંથી પૂનમ સિન્હા જેવા મુખ્ય ચહેરાઓ આ સીટ પરથી લડી રહ્યા છે. અહીં કુલ મળીને 27 ઉમેદવાર મેદાનમાં હશે જે 2019 લોકસભા માટે મેદાનમાં ઉતરશે.
નવાબોના શહેર લખનઉમાં 1991થી કમળ ખીલે છે. ચૂંટણીઓ આવી અને ગઈ પરંતુ જીત તો BJP ના ખાતામાં જ આવી. આ બેઠક પર કોંગ્રેસે અંતિમ વખત 1994માં જીત મેળવી હતી. ત્યાર બાદથી કોંગ્રેસ અહીં આ સીટ પર જીત જોઈ નથી. લોકસભા ચૂંટણીના ઇતિહાસ પર નજર કરીએ તો જાણવા મળશે કે, કોંગ્રેસે 1967 માં ચૂંટણીમાં પ્રથમ વખત આ બેઠક ગુમાવી હતી. આનંદ નારાયણે 1967 માં આ બેઠક કોંગ્રેસ પાસેથી છીનવી લીધી હતી.
ભૂતપૂર્વ PM અટલ બિહારી વાજપેયીએ પ્રથમ વખત 1991માં આ બેઠક પર ચૂંટણી લડ્યા હતા. જેના બાદ આ તેમની પરંપરાગત બેઠક બની ગઈ હતી. 1991થી 2004 સુઘી સતત 5 વાર લખનઉની જનતાનો વાજપેયીને આર્શિર્વાદ મળતા રહ્યા હતાં. 1991 બાદ 1996, 1998, 1999 અને 2004 ની લોકસભા ચૂંટણીમાં વાજપેયી આ બેઠક પર જીત્યા હતાં. કોંગ્રેસને દર વખતે આ બેઠક બાબતે નિરાશા સાપડી હતી. 1996 માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે વાજપેયીની સામે ફિલ્મ અભિનેતા રાજ બબ્બરને ઉતાર્યા પરંતુ તેઓને હારનો સામનો કરવો પડ્યો હતો.
2004 બાદ વાજપેયીએ સક્રિય રાજનીતિમાંથી સન્યાસ લઈ લીધો. 2009ની લોકસભા ચૂંટણીમાં લાલજી ટંડને આ બેઠક પર BJPની જીતનું પુનરાવર્તન કરવાની તક મળી. ટંડનની સામે કોંગ્રેસે રીટા બહુગુણા જોશીને ઉતાર્યા પરંતુ તેમને પણ હારનો સામનો કરવો પડ્યો. જોશી હવે કોંગ્રેસ છોડીને BJPમાં છે. BJP એ તેઓને 2019 ની લોકસભા ચૂંટણીમાં અલ્હાબાદ(પ્રયાગરાજ)થી ટિકીટ આપી છે.
2014ની ચૂંટણીમા મોદી લહેર દરમિયાન BJP એ આ બેઠક પર ભૂતપૂર્વ BJP અધ્યક્ષ તેમજ કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહને ઉતાર્યા. કોંગ્રેસે એકવાર ફરી રીટા બહુગુણા જોશી પર ભરોસો દાખવતા તેઓને મેદાનમાં ઉતાર્યા હતા. રાજનાથે લગભગ 3 લાખ મતથી જીત મેળવી હતી. આ બેઠક તેઓની પરંપરાગત બેઠક બનતી જાય છે, કારણ કે 2019ની ચૂંટણીમાં તેઓ ફરી આ બેઠક માટે મેદાનમાં છે.