લોકસભા ચૂંટણી 2019 ને લઈને મધ્યપ્રદેશની ભોપાલ લોકસભાની બેઠકનો હાઈ પ્રોફાઇલ બેઠકમાં સમાવેશ થઇ ગયો છે. આ ટક્કર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ દિગ્વિજય સિંહ અને માલેગાંવ બ્લાસ્ટની આરોપી અને બીજેપીના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાની વચ્ચે છે. દિગ્વિજય સિંહ 16 વર્ષ પછી ચૂંટણીના મેદાનમાં આવ્યા છે, તો તેની સામે સાધ્વી પ્રજ્ઞા વારંવાર મીડિયાના કેન્દ્રમાં આવી રહી છે.
આ સીટ પર સાધ્વી પ્રજ્ઞાની ઉમેદવારી પહેલા દિગ્વિજય સિંહનું પલ્લુ ભારે હતું પરંતુ હવે અહીં સમીકરણો બદલાઈ રહ્યા છે. જો કે ભાજપનો કિલ્લો તોડવો મુશ્કેલ છે. કોંગ્રેસે છેલ્લી વાર 1984માં આ સીટ જીતી હતી અને છેલ્લા 35 વર્ષથી બીજેપીએ આ બેઠક પર પોતાની પકડ જમાવી રાખી છે. 1989માં પહેલી વાર સુશિલ શર્માએ ભાજપનું ખાતું ખોલ્ચું હતું. 1999માં ઉમા ભારતીએ ભોપાલથી મેદાનમાં ઉતરીને જીત મેળવી હતી. 2004 અને 2009મા કૈલાશ જોશીએ કમળ ખીલાવ્યું હતું અને 2014ની લોકસભાની ચૂંટણીમાં આલોક સંજર જીત્યા હતા.
ભોપાલ લોકસભા વિસ્તારમાં વિધાનસભાની આઠ બેઠક આવે છે. 2018 ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 3 બેઠક પર અને બીજેપી એ 5 બેઠક પર જીત મેળવી હતી. 2013માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે માત્ર 1 બેઠક ઉપર જીત મેળવી હતી, પરંતુ આ વખતે 3 બેઠક પર બીજેપીને હારનો સામનો કરવો પડ્યો હતો. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે જેનો કોંગ્રેસનો થોડો ઘણો લાભ થઈ શકે છે.
ભોપાલ લોકસભા બેઠકની જાતીય સમીકરણ પર નજર કરીએ તો ભોપાલમાં હિંદુ મતદારો છે. તેમની વસ્તી 75-80 ટકા છે, જ્યારે 20 થી 25 ટકા મુસ્લિમ મતદારો છે. શહેરમાં કાયસ્થ સમાજના વોટ પણ મોટી સંખ્યામાં છે અને બીજા ક્રમ પર બ્રાહ્મણ મતદારો છે. અંજદાજીત 18 લાખ મતદારો આ વિસ્તારમાં છે. મુસ્લિમ મતદારોની વસ્તી લગભગ 4.5 લાખ જેટલી છે.
કમલનાથે જે રીતે વિધાનસભાની ચૂંટણીમાં વિખરાયેલી કોંગ્રેસને ભેગી કરીને પાર્ટીને જે જીત અપાવી છે તે જોતા તેમની કોંગ્રેસમાં બોલબાલા વધી ગઈ છે. જોકે કમલનાથ જ ઇચ્છતા હતા કે દિગ્વિજય સિંહ જેવા મોટા નેતા આ બેઠક પરથી લડે. એકવાર ફરી કમલનાથની ઇજ્જત અને દિગ્વિજયની શાખ આ સીટમાં દાવ પર લાગેલી છે. તેથી દિગ્વિજય સિંહ ફૂંકી ફુંકીને પગ માંડી રહ્યા છે. દિગ્ગી રાજાએ કોઈ પણ એવું નિવેદન આપવા માંગતા નથી જેનાથી તેમને અથવા તો પાર્ટીને કોઈ પણ પ્રકારનું નુકશાન થાય.
દિગ્વિજય સિંહ આ વખતે ભાજપને તેમની જ ભાષામાં જવાબ આપતા હોય તેવું જણાઈ રહ્યું હતું. તેમણે સોફ્ટ હિન્દુત્વનો સહારો લઈ મતદારોને રીઝવવાનો પ્રયાસ પણ કર્યો હતો. દિગ્વિજય કેટલા સફળ થાય છે એતો પરિણામના દિવસે જ ખબર પડશે.