નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટ ગાર્ગી કૉલેજની વિદ્યાર્થિનીઓ થયેલા દુર્વ્યવહારની CBI તપાસની માગ કરવાની અરજી પર 17 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે. અરજી વકીલ મનોહરલાલ શર્માએ દાખલ કરી છે.
સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ જવા કહ્યું
ગત 13 ફેબ્રુઆરીએ મનોહરલાલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં આ અરજી પર સુનાવણીની માગ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ જવા અંગે કહ્યું હતું. ત્યારબાદ મનોહરલાલ શર્માએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
6 ફેબ્રુઆરીની ઘટના
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 6 ફેબ્રુઆરીના રોજ કૉલેજમાં એક કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં બહારથી આધેડ ઉંમરના અસામાજીક ત્તત્વો પ્રવેશ્યા હતા અને વિદ્યાર્થિની સાથે છેડતી કરી હતી. ઘણા આરોપીઓએ તો કૉલેજની બહાર મેટ્રો સ્ટેશન સુધી કૉલેજની વિદ્યાર્થિનીનો પીછો કર્યો હતો. વિદ્યાર્થિનીઓએ કૉલેજ પ્રશાસન અને પોલીસ પાસે આ અંગે ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહોતી.
પોલીસ બંદોબસ્ત હોવા છતાં બહારના લોકો પ્રવેશ્યા
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ઘટનાના દિવસે કૉલેજમાં પોલીસ બંદોબસ્ત હતો, છતાં એ લોકો પ્રવેશ્યા હતા અને વિદ્યાર્થિનીઓ સાથે અભદ્રતા કરવા લાગ્યા હતા. આ ઘટના પાછળ સુઆયોજિત ગુનાહિત અને રાજકીય ષડયંત્ર જોવા મળે છે. જેથી આ કેસમાં કોર્ટની દેખરેખ હેઠળ તપાસ થવી જોઈએ. અરજીમાં ગાર્ગી કૉલેજની અંદર અને બહારના CCTV કેમેરાના ફૂટેજને ધ્યાનમાં રાખીને આરોપીઓની ધરપકડ કરી તેને સજા આપવાની માગ કરવામાં આવી છે.
10 આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા
ગત 13 ફેબ્રુઆરીએ સાકેત કોર્ટે આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ કેસમાં 2 વધારાના આરોપીની ધરપકડ થઇ છે.