નવી દિલ્હી : સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાઇરસની સ્થિતિને લઇને માહિતી આપી હતી. મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 472 કેસ સામે આવ્યા છે જ્યારે 11 લોકોના મોત નિપજ્યા છે.
તેઓએ જાણકારી આપતા જણાવ્યું કે, કોરોનાના 3374 કેસ સામે આવ્યા છે અને 79 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 267 લોકોના સ્વાસ્થ્યમાં સુધાર આવ્યો છે.
લવ અગ્રવાલે વધુમાં જણાવતા કહ્યું કે, દેશમાં 274 જિલ્લા વાઇરસથી પ્રભાવિત થયા છે. ગૃહ મંત્રાલયના સંયુકત સચિવ સલિલા શ્રીવાસ્તવે કહ્યું કે, રાજ્ય સરકારે લોકડાઉનને પ્રભાવથી લાગુ કર્યુ છે. જીવન જરૂરિયાતની વસ્તુ પણ મળી રહે છે.
વધુમાં જણાવતા સંયુક્ત સચિવે કહ્યું કે, દેશના તમામ રાજ્યોમાં 27,661 રાહત કેમ્પ અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં 23,924 સરકાર દ્વારા અને 3737 બિન-સરકારી સંસ્થાઓ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમાં 12.5 લાખ લોકોને આશરો મળ્યો છે. તે સિવાય 19,460 રસોઇ ઘર પણ શરૂ કરાયા છે.