નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. આરોગ્ય, ગૃહ અને વિદેશ મંત્રાયલે કોરોનાની તાજેતરની સ્થિતિ અંગે માહિતી આપી છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, હજૂ સુધી દેશમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન થયું નથી, પરંતુ સતર્કતા જરૂરી છે.
તેમણે જણાવ્યું કે, કોરોના તપાસની ગતી પણ ઝડપી વધી રહી છે અને અત્યારે કુલ 213 લેબ કામ કરી રહી છે.
આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કોરોના સાથે જોડાયેલા આંકડાની માહિતી આપીને કોરોના સામે લડવા માટે 15 હજાર કરોડના વધારાના પેકેજની જાહેરાત કરી છે.
તેમણે કહ્યું કે, કાલે અમે 16,002 ટેસ્ટ કર્યા હતા. જેમાંથી માત્ર 0.2 ટકા કેસ પોઝિટિવ જોવા મળ્યા છે. આરોગ્ય મંત્રાયલના સંયુક્ત સચિવે કહ્યું કે, અમારી જરૂરિયાત 1 કરોડ હાઈડ્રોક્સીક્લોરોક્વીન ગોળીની છે, જ્યારે અમારી પાસે 3.28 કરોડ હાઈડ્રોક્સીક્લોરોક્વીન ટેબલેટ અત્યારે ઉપલબ્ધ છે.
લવ અગ્રવાલે કહ્યું કે, દેશમાં કોરોના વાઇરસના 6,412 કેસની પુષ્ટી કરવામાં આવી છે અને 504 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આ વાઇરસના કારણે અત્યાર સુધી 199 લોકોનાં મોત થયાં છે. સંયુક્ત સચિવે કહ્યું કે, ગત 24 કલાકમાં 678 નવા કેસ સામે આવ્યા છે અને 33 લોકોનાં મોત થયાં છે.