નવી દિલ્હી: દિલ્હી સ્થિત હઝરત નિઝામુદ્દીન દરગાહને લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે. સરકારની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને દરગાહમાં સામાજિક અંતર અને સ્વચ્છતા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. હઝરત નિઝામુદ્દીન દરગાહ માર્ચના મધ્યભાગથી બંધ કરવામાં આવી હતી. દરગાહ કોરોના વાઇરસના વધતા કેસના કારણે બંધ કરવામાં આવી હતી.
દરગાહ પર આવતા લોકો માટે સેનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણને પણ દરગાહની અંદર બેસવાની કે રાહ જોવાની મંજૂરી આપવામાં નથી આવી. દરગાહમાં માસ્ક પહેરવું દરેક માટે ફરજિયાત છે.
દરગાહના પ્રભારી સઈદ અદીબ નિઝામી કહે છે કે, દરગાહની અંદર સરકારની માર્ગદર્શિકા અનુસાર વ્યવસ્થા કરવામાં આવી છે. નિઝામીએ કહ્યું કે, દરગાહ પર આવતા દરેક વ્યક્તિએ તમામ નિયમોનું પાલન કરવું પડશે. માસ્ક વિનાના લોકોને દરગાહમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં નહીં આવે.
હઝરત નિઝામુદ્દીન દરગાહ એવા સમયે ખોલવામાં આવી છે. જ્યારે દેશમાં અનલોક-4 શરૂ છે, પરંતુ દેશની રાજધાની દિલ્હીમાં ફરી દરરોજ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.