નવી દિલ્હી: લદ્દાખ સરહદે ભારત અને ચીન વચ્ચે ઉદભવેલો તણાવ દેશમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. જોકે, બંને દેશોએ કહ્યું છે કે, શાંતિપૂર્ણ સમાધાન બંને પક્ષના હિતમાં છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રક્ષા પ્રધાન રાજનાથ સિંહને આ મુદ્દે સવાલ કર્યા છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રક્ષા પ્રધાન રાજનાથ સિંહને પૂછ્યું છે કે, શું લદ્દાખની કેટલીક જમીન પર ચીને કબજો કર્યો છે? રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, રક્ષા પ્રધાન આ સવાલનો જવાબ આપશે કે નહીં?
આ અંગે રક્ષા પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે, 'કોંગ્રેસના ઘણા નેતાઓ આ સવાલ પૂછે છે કે, ભારત-ચીન સરહદ પર શું થઈ રહ્યું છે? હું દેશના લોકોને ખાતરી આપવા માગું છું કે, સંસદમાં આ પ્રશ્નની વિસ્તારથી માહિતી આપીશ.'