લખનઉ (ઉત્તર પ્રદેશ): હાથરસ કેસમાં પીડિતાના પરિવારના સદસ્યો લખનઉ હાઇકોર્ટ પહોંચ્યા હતા. જ્યાં કોર્ટના ગેટ નંબર-5 પરથી પીડિતાના પરિવારે કોર્ટની અંદર પ્રવેશ કર્યો હતો. પીડિતાના પરિવાર સાથે મોટી સંખ્યામાં સુરક્ષા દળના જવાનો પણ હાજર હતા. સાથે જ ઉત્તર પ્રદેશના મોટા અધિકારીઓ પણ લખનઉ હાઈકોર્ટ પહોંચ્યા હતા.
જેમાં ગૃહ વિભાગના પ્રમુખ સચિવ અવનીશ અવસ્થી, ઉત્તર પ્રદેશના DGP હિતેષચંદ્ર અવસ્થી, ADG લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમાર, હાથરસના DM પ્રવિણ કુમાર, હાથરસના SP વિનીત જયસ્વાલ પણ હાઈકોર્ટ પરિસરમાં હાજર રહ્યા હતા.
મળતી માહિતી મુજબ હોઈકોર્ટ પહોંચેલા પીડિતાના પરિવારે તેની વ્યથા સંભળાવી હતી અને ઘટના સંદર્ભે જાણકારી આપી હતી. વધુમાં તેમણે પોતાની સાથે થયેલા પોલીસના વ્યવહાર અંગે પણ જાણકારી આપી હતી. કેસના સંદર્ભમમાં હાઈકોર્ટે પોલીસ સહિત એ તમામ મોટા અધિકારીઓ પાસે પણ જવાબ માગ્યો છે, જેના પર કેસમાં બેદરકારી કરવાનો આરોપ છે.
આ પહેલાં, પીડિતાના પરિવારને રાતના સમયે લખનઉ લઈ જવાની તૈયારી કરવામાં આવી હતી. જોકે તેમણે રાત્રે જવાનો ઈનકાર કર્યા બાદ તેમને સવારે લખનઉ લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પીડિતાના પરિવારે પોલીસ દ્વારા કરવામાં આવેલી બેદરકારીને ધ્યાનમાં રાખીને રાત્રે લખનઉ જવાનો ઈનકાર કર્યો હતો. SDM અંજલી ગંગવારે જણાવ્યું કે, 'હું તેમની સાથે જઈ રહી છું અને તેમની સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે'.