- હાથરસ કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ
- અલ્હાબાદ હાઈકોર્ટ CBI તપાસ પર રાખશે નજર
નવી દિલ્હી: હાથરસ કેસમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, અલ્હાબાદ હાઈકોર્ટ આ કેસમાં CBI તપાસ પર નજર રાખશે. કોર્ટે કહ્યું કે, હાથરસ મામલાની સુનાવણી ઉત્તર પ્રદેશની બહાર સ્થાનાંતરિત કરવાની અરજી પર CBIની તપાસ પૂર્ણ થયા બાદ વિચારણા કરવામાં આવશે.
અલ્હાબાદ હાઈકોર્ટ CBI તપાસ પર રાખશે નજર
સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, અલ્હાબાદ હાઈકોર્ટ તમામ પાસાઓ પર વિચાર કરશે. CBI ત્યાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરશે. હાથરસ કેસની કોર્ટ દેખરેખ હેઠળ તપાસ હાથ ધરવા અને કેસને દિલ્હી સ્થાનાંતરિત કરવા વિનંતી હતી. હાથરસમાં દલિત યુવતી પર સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
ચુકાદો સુરક્ષિત રાખ્યો
મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડે, ન્યાયમૂર્તિ એ.એસ. બોપન્ના અને ન્યાયાધીશ વી.રામસુબ્રમણ્યમની ખંડપીઠે કાર્યકરો અને વકીલો દ્વારા દાખલ કરવામાં આવેલી અન્ય ઘણી અરજીઓ પર 15 ઓક્ટોબરના રોજ પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.અરજીઓમાં દલીલ કરવામાં આવી હતી કે ઉત્તર પ્રદેશમાં ન્યાયી સુનાવણી શક્ય નથી, કેમ કે કથિત રીતે તપાસ બાધિત કરવામાં આવી છે.
પીડિત પરિવાર માટે હાજર રહેલા વકીલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે આ કેસમાં તપાસ પૂર્ણ થયા બાદ સુનાવણી ઉત્તર પ્રદેશની બહાર રાષ્ટ્રીય રાજધાનીમાં સ્થળાંતર થવી જોઈએ.