- ધીરુભાઈ અંબાણી
ધીરુભાઈ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર 1932ના રોજ ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતે એક સામાન્ય પરિવારમાં થયો હતો. 16 વર્ષની ઉંમરે તેઓ યમનમાં આવેલા એડન ખાતે ગયા હતા. જ્યાં તેમણે 300 રૂપિયાના પગારથી નોકરી કરી હતી. વર્ષ 1962માં ધીરુભાઈ ભારત પરત આવ્યા અને રિલાયન્સની શરૂઆત કરી હતી. શરુઆતના તબક્કામાં રિલાયન્સ પોલિયસ્ટર યાર્નની આયાત અને મસાલાની નિકાસ કરતી હતી.
ભારતમાં શેર્સમાં રોકાણના પ્રવાહની શરૂઆતનું શ્રેય ધીરુભાઈ અંબાણીને આપવામાં આવે છે. 1977માં દેશના વિવિધ ભાગોમાંથી 58 હજારથી વધુ રોકાણકારોએ રિલાયન્સનો IPO ભર્યો હતો. ગ્રામીણ ગુજરાતના નાના રોકાણકારોને ધીરુભાઈ એ વાત સમજાવવામાં સફળ રહ્યા હતા કે, કંપનીના શેરધારક બનવાથી તેમને લાભ થશે.
સમય વીતવાની સાથે ધીરુભાઈ તેના કારોબારમાં વિવિધતા લાવ્યા અને પેટ્રોકેમિકલ્સમાં નિપુણતા હાસલ કરવાની સાથે-સાથે ટેલિકમ્યુનિકેશન્સ, ઈન્ફોર્મેશન અને ટેકનોલોજી, એનર્જી, પાવર, રિટેલ, ટેક્ષટાઈલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મૂડી બજાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે પણ કારોબરનો વિસ્તાર કર્યો હતો.
ધીરુભાઈ અંબાણીને ફેબ્રુઆરી 1986માં હ્રદય રોગનો પ્રથમ હુમલો આવ્યો હતો અને તેમના જમણા હાથે લકવો થયો હતો. 24 જૂન 2002ના રોજ હ્રદય રોગનો બીજો તીવ્ર હુમલો આવ્યા બાદ ધીરુભાઈ અંબાણીને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ એક અઠવાડિયા કરતાં વધારે સમય સુધી બેભાન અવસ્થામાં રહ્યા. અનેક પ્રયત્ન કરવા છતાં ડોક્ટર્સ તેમનું જીવન બચાવવામાં નિષ્ફળ રહ્યા. 6 જુલાઈ 2002ના રોજ ધીરુભાઈ અંબાણીનું અવસાન થયું હતું.
- રતન ટાટા
રતન ટાટા ભારતના અગ્રણી ઉદ્યોગપતિ છે. તેમનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ પ્રખ્યાત ટાટા પરિવારમાં થયો હતો. તેઓ જમશેદજી ટાટા દ્વારા સ્થાપિત કંપની સમૂહ ટાટા ગ્રૂપના ચેરમેન તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. પોતાના 75મા જન્મદિવસે તેમણે ટાટા ગ્રૂપનું ચેરમેનપદ છોડીને સાયરસ મિસ્ત્રીને સોંપ્યું હતું. જોકે, તેમને ગ્રૂપનાં માનદ ચેરમેનપદે ચાલુ રાખવામાં આવ્યા છે. ટાટા એન્ડ સન્સમાં 100થી વધુ કંપનીઓ આવે છે. આ કંપનીઓમાં સોઈથી લઈને સ્ટીલ, ચાથી લઈને 5 સ્ટાર હોટલ સુધી અને નેનો કારથી લઈને હવાઈ જહાજ સુધી બધું જ બનાવવામાં આવે છે.
ટાટા ગ્રુપમાં તેમની કારકિર્દી માલિક તરીકેની નહીં પણ એક સામાન્ય કર્મચારી તરીકે શરૂ થઈ હતી. રતન ટાટાએ પોતાની એક આગવી ઓળખ બનાવી છે. તેમને એક અતિ સફળ બિઝનેસમેન તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 1991માં રતન ટાટા 'ટાટા એન્ડ સન્સ'ના પ્રમુખ બન્યા. ત્યારે ઉદારીકરણનો સમય શરુ થઈ રહ્યો હતો અને રતન ટાટાએ દુનિયાભરના વ્યાપારમાં પગપેસારો શરુ કર્યો. ટાટા ગ્રુપે ટેટલી ટીનું અધિગ્રહણ કર્યું. આ ઉપરાંત ઈન્શ્યોરન્સ કંપની સાથે તેમણે બોસ્ટનમાં સંયુક્ત સાહસ તરીકે વીમા કંપની શરૂ કરી હતી. તેમણે યુરોપના કોરસ સ્ટીલ અને JLR પણ હસ્તગત કરી.
ગ્રુપના હેડ બન્યા પછી રતન ટાટાએ મેનેજમેન્ટના જૂના નિયમોમાં બદલાવ કર્યા હતા. તેમણે કહ્યું કે, ગ્રુપને એક માર્ગદર્શનની જરૂર છે અને ગ્રુપ સિસ્ટમ કેન્દ્રિત હોવી જોઈએ. વ્યક્તિગત આઈલેન્ડ્સ ઉમેરવું આવશ્યક છે. આમ તેમણે કેન્દ્રીય કામગીરી શરૂ કરી. રતન ટાટા જેટલા મોટા ઉદ્યોગપતિ છે એટલા જ મોટા હ્રદયના સરળ માનવી પણ છે. 26/11ના મુંબઈ આતંકી હુમલામાં તાજ હોટલને નુકસાન થયું હતું. એ સમયે રિનોવેશન માટે હોટલ 6 મહિના માટે બંધ રાખવામાં આવી હતી. આ ઘટના દરમિયાન તમામ કર્મચારીને હોટલ બંધ હોવા છતાં પગાર ચુકવવામાં આવ્યો હતો, એટલું જ નહીં આતંકી ઘટનામાં માર્યા ગયેલા હોટલના કર્મચારીઓને લાઈફટાઈમ પેન્શન આપવાની પણ જાહેરાત કરી હતી.
દેશના ઉદ્યોગ જગતમાં અમુલ્ય યોગદાન માટે રતન ટાટાને વર્ષ 2000માં પદ્મભૂષણ અને વર્ષ 2008માં પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.