નવી દિલ્હી : કેન્દ્ર સરકાર વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પાછા લાવવા મદદ કરશે અને આ પ્રક્રિયા તબક્કાવાર રીતે 7 મેથી શરૂ થશે. મંત્રાલયે કહ્યું કે, ભારત આવ્યા પછી તમામ મુસાફરોની તબીબી તપાસ કરવામાં આવશે અને તે પછી તેઓને 14 દિવસ માટે ક્વૉરન્ટીન કરવામાં આવશે.
ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ -19ના લક્ષણો ન હોય તેવા લોકોને જ પાછા આવવાની મંજૂરી આપવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ મુસાફરીની વ્યવસ્થા વિમાન અને જહાજ દ્વારા કરવામાં આવશે અને મુસાફરોએ તેનો ખર્ચ કરવો પડશે.
મંત્રાલયે કહ્યું કે, 'ભારત સરકાર વિદેશમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવામાં મદદ કરશે. ખૂબ જ જરૂરી હોય ત્યારે જ તેમને ભારત આવવાની મંજૂરી આપવામાં આવશે અને આ તબક્કાવાર પ્રક્રિયા હેઠળ કરવામાં આવશે."