હૈદ્રાબાદ: કોરોના વાઇરસે સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે અને તેના કારણે દુનિયામાં સદીનું કદાચ અતિ ગંભીર મંદીનું મોજું ફરી વળવાના ભણકારા વાગી રહ્યા છે. એક હતાશાજનક અહેવાલ મુજબ, OECDના તાજેતરના ઇકોનોમિક આઉટલૂકમાં જણાવવામાં આવ્યું હતું કે, કોવિડ-19 મહામારી એ અગાઉ કદીયે ન જોવા મળી હોય તેવી વૈશ્વિક કટોકટી છે. તેણે વિશ્વને સદીની કદાચ સૌથી ગંભીર આર્થિક મંદી તરફ ધકેલી દીધું છે. આ સ્થિતિ લોકોના આરોગ્ય, રોજગારી અને સુખાકારીને અતિશય નુકસાન પહોંચાડી રહી છે.
નિયંત્રણો હળવાં થઇ રહ્યાં છે, ત્યારે આર્થિક રિકવરીનો માર્ગ ભારે અનિશ્ચિતતા ભરેલો છે અને તે સંક્રમણના બીજા રાઉન્ડની ઝપેટમાં આવવાની પણ શક્યતા પ્રવર્તી રહી છે. હેલ્થ કેર સિસ્ટમને મજબૂત કરવી તથા કોવિડ-19 બાદના વિશ્વમાં લોકો અને વ્યવસાયોને મદદ કરવી ઘણું જરૂરી બનશે, તેમ તેમાં જણાવવામાં આવ્યું છે.
મોટાભાગની સરકારો દ્વારા લાગુ કરવામાં આવેલાં લોકડાઉનનાં પગલાં વાઇરસનો ફેલાવો ધીમો કરવામાં તથા મૃત્યુ આંક ઘટાડવામાં સફળ રહ્યાં છે, પરંતુ તેના કારણે ઘણાં ક્ષેત્રોની વ્યાવસાયિક પ્રવૃત્તિ થંભી ગઇ છે, અસમાનતાની ખાઇ વધુ પહોળી થઇ છે, શિક્ષણ આડે અવરોધ ઊભો થયો છે અને ભવિષ્ય બાબતે અંધકાર વ્યાપી ગયો છે.
એક અંદાજ અનુસાર, બીજા રાઉન્ડ વિના વૈશ્વિક આર્થિક પ્રવૃત્તિમાં 2020માં 6 ટકા ઘટાડો થયો છે. OECD બેરોજગારી 2019માં 5.4 ટકા હતી, તે વધીને 9.2 ટકા થઇ ગઇ છે. જો રોગચાળાનો બીજો રાઉન્ડ શરૂ થાય અને તેને કારણે લોકડાઉન તરફ પરત ફરવું પડે, તો આ વર્ષે વૈશ્વિક આર્થિક આઉટપુટમાં 7.6 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. OECD અર્થતંત્રોમાં બેરોજગારી તેની ચરમસીમા પર હશે અને રોગચાળા અગાઉ બેરોજગારીનું જે પ્રમાણ હતું, તેના કરતાં આ સંખ્યા બેવડાઇ જશે. વળી, આગામી વર્ષે પણ નોકરી ક્ષેત્રે નજીવો સુધારો જોવા મળશે.
ખાસ કરીને યુરોપમાં ચુસ્ત અને પ્રમાણમાં લાંબા સમયના લોકડાઉનની આર્થિક અસરો વધુ ઉગ્ર રહેશે. આ વર્ષે જો રોગચાળાનો બીજો રાઉન્ડ શરૂ થાય, તો યુરોપના GDPમાં 11.5 ટકાનો અને જો બીજો રાઉન્ડ ટળી જાય, તો પણ 9 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. જ્યારે, યુનાઇટેડ સ્ટેટ્સમાં GDP ક્રમશઃ 8.5 ટકા અને 7.3 ટકા તથા જાપાનમાં GDP ક્રમશઃ 7.3 ટકા અને 6 ટકા ઘટશે તેવો અંદાજ છે.
આ દરમિયાન બ્રાઝિલ, રશિયા અને દક્ષિણ આફ્રિકા જેવાં ઊભરી રહેલાં અર્થતંત્રો તણાવગ્રસ્ત આરોગ્ય વ્યવસ્થાઓના પડકારોનો સામનો કરી રહ્યાં છે. પરિણામે, કોમોડિટીના ભાવોમાં થયેલા કડાકાને કારણે સર્જાયેલી મુશ્કેલીઓમાં વધારો થયો છે. જો કોરોનાનો બીજો રાઉન્ડ ફરી વળશે, તો આ દેશોનાં અર્થતંત્રોમાં અનુક્રમે 9.1 ટકા, 10 ટકા અને 8.2 ટકા ઘટાડો થશે અને બીજા રાઉન્ડની ગેરહાજરીમાં આ ઘટાડો અનુક્રમે 7.4 ટકા, આઠ ટકા અને 7.5 ટકા રહેશે.
ચીન તેમજ ભારતના GDP પ્રમાણમાં ઓછા પ્રભાવિત થશે. બીજા રાઉન્ડની સ્થિતિમાં ચીન અને ભારતનો GDP અનુક્રમે 3.7 ટકા અને 7.3 ટકા, જ્યારે બીજા રાઉન્ડની ગેરહાજરીમાં GDP ક્રમશઃ 2.6 ટકા અને 3.7 ટકા ઘટશે. બંને સ્થિતિમાં બ્રિટનને વિકસિત વિશ્વના તેના હરીફો કરતાં વધુ ફટકો પડશે.
2020 દરમિયાન બ્રિટનની રાષ્ટ્રીય આવકમાં 11.5 ટકાનો ઘટાડો નોંધાશે, જ્યારે આ વર્ષે જર્મનીની રાષ્ટ્રીય આવકમાં 6.6 ટકાનો ઘટાડો થશે. તો, સ્પેનના GDPમાં 11.1 ટકા, ઇટાલીના GDPમાં 11.3 ટકા તથા ફ્રાન્સના GDPમાં 11.4 ટકા જેટલો ઘટાડો નોંધાશે.
મહામારી સામેના પ્રતિસાદ માટેની નીતિ અંગે ચર્ચા કરવા માટે સ્પેનની સરકારનાં વાઇસ પ્રેસિડેન્ટ તથા આર્થિક બાબતો અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પ્રધાન નાડિયા કેલ્વિનોની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી સ્પેશિયલ OECD રાઉન્ડટેબલ મિનિસ્ટરિયલ મિટિંગને પગલે, OECDના સેક્રેટરી જનરલ એન્જેલ ગુર્રિયાએ જણાવ્યા મુજબ, “વર્તમાન સંદર્ભમાં અનિશ્ચિતતા સ્પષ્ટપણે સર્વોચ્ચ સ્તરે છે, પરંતુ વ્યાપક નીતિઓ માટે તેની અસરો સપ્રમાણ નથી. કટોકટીનાં પગલાં રજૂ કરવામાં અત્યંત શિથિલ ન રહેવા બાબતે પોલિસી મેકર્સ (નીતિ ઘડવૈયા) સાચા હતા અને હવે તે પગલાંને પાછા ખેંચવા મામલે થઇ રહેલી ઝડપ સામે તેમનું રક્ષણ કરવું જોઇએ.”
એન્જેલ ગુર્રિયાએ જણાવ્યુું કે, સરકારો અત્યારે કેવાં પગલાં ભરી રહી છે, તેના આધારે આવનારાં વર્ષોમાં કોવિડ-19 બાદનું વિશ્વ આકાર લેશે, સ્થાનિક સ્તરની સાથે-સાથે વૈશ્વિક સ્તરે પણ આ બાબત સાચી પડે છે. સ્થાનિક સ્તરે યથાર્થ નીતિઓ એક સ્થિતિ-સ્થાપક, સમાવેશક અને સાતત્યપૂર્ણ રિકવરીનું સંવર્ધન કરી શકે છે. વિવિધ દેશો વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે કેવી રીતે સહકાર સાધે છે, તે બાબત પણ મહત્વપૂર્ણ બની રહેશે. નીતિના પ્રતિસાદમાં અત્યાર સુધી એક નબળું પાસું રહેલો આંતરરાષ્ટ્રીય સહકાર વિશ્વાસનું સર્જન કરી શકે છે અને તે મહત્વપૂર્ણ સકારાત્મક અસરો નીપજાવી શકે છે.
આઉટલૂક રજૂ કરતાં OECDનાં મુખ્ય અર્થશાસ્ત્રી લોરેન્સ બૂને જણાવ્યું હતું કે, રિકવરી તરફ પ્રયાણ કરવા માટે અસાધારણ નીતિઓ હોવી જરૂરી થઇ પડશે. રોગચાળાના બીજા રાઉન્ડને ટાળીને આર્થિક પ્રવૃત્તિને પુનઃ શરૂ કરવા માટે લવચિક તથા ચુસ્ત નીતિ-નિર્માણ જરૂરી છે.
લોરેન્સ બૂને જણાવ્યું હતું કે, ભારે નુકસાન સહન કરનારાં ક્ષેત્રો માટે જે સલામતી અને સહાય પૂરાં પાડવામાં આવે છે, તેમને વ્યવસાયો તથા વર્કર્સને નવી પ્રવૃત્તિ તરફ વળવામાં મદદરૂપ થવા માટે અપનાવવામાં આવે, તે જરૂરી છે. ઊંચા જાહેર ઋણને ટાળી શકાતું નથી, પણ આ ખર્ચ અત્યંત જરૂરિયાતમંદને સહાય પૂરી પાડવા માટે લક્ષિત હોવો જોઇએ."
અત્રે ઉલ્લેખનીય છે કે, આઉટલૂકે મહામારીને વધુ ઝડપથી નાથવામાં મદદ માટે તથા આર્થિક રિકવરીને ઝડપી બનાવવા માટે વધુ મજબૂત આંતરરાષ્ટ્રીય સહકારની માગણી કરી છે.