હરિયાણાના રોહતક જિલ્લાની રહેવાસી યુવતી તેના પાકિસ્તાની ફેસબુક ફ્રેન્ડને મળવા પાકિસ્તાન પહોંચી ગઈ. પાકિસ્તાન પહોંચવા માટે યુવતીએ શીખોના પવિત્ર ધર્મસ્થાન ગુરુદ્વારા દરબાર સાહિબના દર્શને જવાનું બહાનું કર્યું. પરંતુ પાકિસ્તાની રેન્જર્સને શંકા જતાં તેણે યુવતીને પકડીને કરતારપુર કોરિડોરના રસ્તે જ ભારત પરત મોકલી આપી.
મળતી માહિતી મુજબ યુવતી હરિયાણાના રોહતક જિલ્લાની રહેવાસી છે અને તે કરતારપુર કોરિડોરના રસ્તે ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબના દર્શન કરવા આવી હતી. બીજી તરફ યુવતીનો ફેસબુક ફ્રેન્ડ અવેશ મુખ્તિયાર પણ તેના એક મિત્ર અને તેની પત્ની સાથે ગુરુદ્વારા સાહિબ આવી પહોંચ્યો હતો. અવેશ મુખ્તિયાર અને ભારતીય યુવતી ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબમાં પ્રથમ માળે મળ્યા હતાં. બન્ને વચ્ચે ત્યાં વાતચીત થઈ અને યુવતીએ ત્યાં જ લગ્નનો પ્રસ્તાવ પણ મુક્યો હતો.
અવેશ મુખ્તિયારે ભારતીય યુવતીના લગ્નના પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો. બન્ને લગ્ન કરે એ પહેલાં જ પાકિસ્તાની રેન્જર્સને બન્ને પર શંકા જતાં તેની પુછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ સમગ્ર ઘટના સામે આવી હતી.
કેવી રીતે થઈ પાકિસ્તાની રેન્જર્સને શંકા?
પાકિસ્તાન જવા માટે અવેશ મુખ્તિયારે તેના મિત્રની પત્નીના કાર્ડનો ઉપયોગ કરવા પ્રયાસ કર્યો હતો. આ કાર્ડ એ છે જેને પાકિસ્તાની રેન્જર્સ પાકિસ્તાનથી ગુરુદ્વારા સાહિબ દર્શને જવા માટે શ્રદ્ધાળુઓ માટે ઈશ્યૂ કરવામાં આવે છે. જ્યારે અવેશ મુખ્તિયાર પહેલેથી જ પાકિસ્તાનના ગુજરાંવાલાનો રહેવાસી છે.
આ કાર્ડ ઉપર શ્રદ્ધાળુનું નામ અને સરનામું લખેલું હોય છે. કાર્ડમાં કોઈ ફોટો નથી હોતો. આ વાતનો ફાયદો ઉઠાવવા અવેશ મુખ્તિયારે તેના મિત્રની પત્નીનું કાર્ડ યુવતીને આપ્યું હતું. જ્યારે અવેશ અને યુવતી પાકિસ્તાન જવા રવાના થયા ત્યારે ત્યાં લગાવવામાં આવેલા બેરિકેડ્સ પાસે પહોંચ્યા ત્યારે યુવતીની કમર પર લટકાવેલી બેગને જોઈને પાકિસ્તાની રેન્જર્સને શંકા થઈ હતી.
આ મામલે દિલ્હી ગુરુદ્વારા પ્રબંધક કમિટીના અધ્યક્ષ મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે, હરિયાણાની યુવતીને ભારત પરત મોકલી આપવામાં આવી છે. જો આમ ન થયું હોત તો, આ યુવતીની હાલત પણ અન્ય પાકિસ્તાની શિખ અથવા હિન્દુ યુવતી જેવી થઈ હોત જેને ઈસ્લામ ધર્મ સ્વીકારવા મજબૂર કરવામાં આવે છે.