નવી દિલ્હીઃ કાશ્મીરમાં હાલ એલર્ટ જાહેર કરાયું છે. કારણ કે, કાશ્મીરમાં અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીની તબીયત નાજુક હોવાની અફવાઓ ફેલાઈ રહી છે. જેથી કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારવામાં આવી છે.
ઑલ પાર્ટીઝ કાન્ફ્રેંસે મુઝ્ઝફરાબાદ (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં એક નિવેદન આપ્યું હતું કે, "જો ગિલાની અંતિમ શ્વાસ લેશે તો શ્રીનગરના તમામ ઇદગાહ ખાતે ઇમામ અને અન્ય લોકોને એકઠાં થવું પડશે."
હુરિયતે બે પત્રમાં જાહેર કર્યુ છે કે, "ગિલાનીએ હાલમાં શ્રીનગરના ઈદગાહના મજાર-એ-શુહાદામાં દફનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે." શ્રીનગરના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "ગિલાનીની તબિયતની સ્થિતિ અંગેની અફવાઓ ફેલાઈ રહી છે, પરંતુ મોડી રાત સુધી કંઇપણ પ્રતિકૂળ સમાચાર મળ્યા નથી."
ઉલ્લેખનીય છે કે, વરિષ્ઠ હુર્રિયત નેતા તરીકે ગણાતા ગિલાની ‘અગાઉ જમાત-એ-ઇસ્લામી’ કાશ્મીરના સભ્ય હતા, પરંતુ પછીથી તેહરીક-એ-હુર્રિયતના નામથી તેમની પોતાની પાર્ટીની સ્થાપના કરી. તેમજ તેઓએ જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદી પક્ષોના સંગઠન ઓલ પાર્ટીઝ હુર્રિએટ (ફ્રીડમ) કોન્ફરન્સના અધ્યક્ષ તરીકે કામ કર્યું છે. વર્ષ 1972માં સોપોર મત વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા અને 1977 અને 1987માં એ જ મત વિસ્તારમાંથી વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા હતા.