લદ્દાખઃ લદ્દાખના કારગિલ વિસ્તારને કાશ્મીર ઘાટી સાથે જોડનારી ઝોજીલા ટનલનું કામ શરૂ થઇ ગયું છે. જેનો પ્રારંભ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરી દ્વારા કરવામાં આવ્યો હતો. આ ટનલને એશિયાની બે દિશા વાળી સૌથી લાંબી ટનલ માનવામાં આવે છે.
આ ટનલનું નિર્માણ પૂર્ણ થતાં લદ્દાખની રાજધાની લેહ અને જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરની વચ્ચે આવાગમન સંભવ થશે. હાલ અત્યારે 11,578 ફૂટની ઉંચાઇ પર ઝોજિલા પાસે નવેમ્બરથી એપ્રિલ દરમિયાન વર્ષના 6 મહિના ભારે બરફવર્ષાને કારણે એનએચ -1, શ્રીનગર-કારગિલ-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવાગમન બંધ રહે છે.
કેન્દ્રીય સડક પરિવહન રાજમાર્ગ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે, ગડકરી ગુરૂવારે જમ્મુ કાશ્મીરમાં ઝોજિલા ટનલનો પ્રારંભ કરાવશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ટનલના નિર્માણકાર્ય પૂર્ણ થયા બાદ શ્રીનગર અને લેહ વચ્ચે આખું વર્ષ સંપર્ક જોડાણના કારણે જમ્મુ-કાશ્મીરનું આર્થિક અને સામાજિક-સાંસ્કૃતિક એકીકરણ શક્ય બનશે. મંત્રાલયે કહ્યું કે, આ ટનલ પૂર્ણ થયા બાદ આધુનિક ભારતના ઇતિહાસમાં ઔતિહાસિક સિદ્ધિ હશે. આ દેશની રક્ષા કરવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવશે.